SURAT

સુરતના આ વિસ્તારમાંથી જૈન ગુરૂની 363 વર્ષ જૂની પાદુકા મળી, ભક્તો દર્શન માટે ઉમટ્યાં

સુરત: મકાન જર્જરીત થઈ જતાં હરિપુરા ભવાનીવડ ખાતે એક આંગડીયા પેઢીનાં મકાનમાંથી આજે 363 વર્ષ જુની પૌરાણિક ગણાતી જૈન ગુરૂ તથા તેમનાં ત્રણ શિષ્યોની પાદુકાઓને પરવત પાટીયા ખાતેના જૈન ઉપાશ્રયમાં લઈ જવા માટેની ઉત્થાનવિધિ કરવામાં આવી રહી હતી ત્યારે આ પૌરાણિક પાદુકાઓને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

  • આ સ્થળે રહેલા ઉપાશ્રયને જગ્યા સાથે વેચી દેવામાં આવ્યું હતું, પરંતુ પાદુકા માલિકો દ્વારા યથાવત રાખવામાં આવી હતી
  • ઉપાશ્રય વેચાયા બાદ બે માલિકો બદલાઈ ગયા, છેલ્લે જયેશ પટેલનો પરિવાર આ મકાનમાં આંગડીયા પેઢી ચલાવતો હતો
  • ભૂતકાળમાં ત્રણ સદી પહેલા ઉપાશ્રયમાં સાચવવામાં આવેલી અને બાદમાં જગ્યા વેચી દેવાતા
  • મકાન જર્જરીત થઈ જતાં પાદુકાને પરવત પાટીયાના ઉપાશ્રયમાં સ્થાપિત કરાશે, ભક્તો દર્શને ઉમટી પડ્યા

ભક્તોના ટોળાને કારણે એવી વાત ફેલાઈ હતી કે આ ત્રણ સદી કરતાં પણ વધુ જૂની આ પાદુકા આજે મળી આવી છે. જોકે, બાદમાં આ અંગેનો ખુલાસો થયો હતો કે મકાન જર્જરીત થઈ ગયું હોવાથી પાદુકા અન્યત્ર લઈ જવાનું આયોજન કરાઈ રહ્યું હતું. હકીકતમાં આ જગ્યા પર પહેલા ઉપાશ્રય હતું અને સને 1632માં આ પાદુકાઓને ઉપાશ્રયમાં રાખવામાં આવી હતી પરંતુ બાદમાં આ ઉપાશ્રયને વેચી નાખવામાં આવ્યું હતું.

હરીપુરા, ભવાનીવડ ખાતે રહેતા જયેશભાઈ પટેલના આંગડીયા પેઢી તરીકે ત્રણ પેઢીથી વપરાતા મકાનમાં 363 વર્ષ જુની જૈન મુનિ વિદ્યાસાગસૂરીશ્વરજી મહારાજ તથા તેમનાં બે શિષ્યો કનકગુણાશ્રીજી મહારાજ તથા ઉદયસાગર મહારાજની પાદુકા હતી. આ પાદુકાની જયેશભાઈ પટેલ પરિવાર દ્વારા ત્રણ પેઢીથી પૂજા પણ કરવામાં આવી રહી હતી.

જોકે, હાલમાં આ મકાન જર્જરીત થઈ જતાં જયેશભાઈનો પરિવાર અન્યત્ર રહેવા માટે જતો રહ્યો છે. જોકે, આ પાદુકા મકાનમાં હોવાથી મકાન ઉતારવાનું હોવાથી આ પાદુકાનું પણ સ્થળાંતર કરવાની જરૂરીયાત ઊભી થઈ હતી. જેને કારણે આજે આ પાદુકા હટાવવા માટે ઉત્થાનવિધિ કરવામાં આવી રહી હતી.

આ વિષેની માહિતિ આપતા પરવત પાટીયા મોડલ ટાઉન અચલગચ્ચછ ઉપાશ્રર્યનાં ટ્રષ્ટી ભૂરચંદ બહોરાએ જણાવ્યું હતું કે, આ પાદુકાઓ વર્ષ 1632ની સદીની છે, કારણ કે તક્તી ઉપર ગુરૂભગવંતોના નામ તથા સાલની કોતરણી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.

ભૂતકાળમાં આ જગ્યા પર ઉપાશ્રય હતું. જેથી ત્યાં આ પાદુકાની સ્થાપના કરવામાં આવી હતી. કાળક્રમે ઉપાશ્રયને જગ્યા સાથે વેચી દેવામાં આવ્યું હતું. જેને પહેલા અન્ય બે માલિકો અને બાદમાં જયેશભાઈના દાદા દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું.

જયેશભાઈનો પરિવાર ત્રણ પેઢીથી આ પાદુકાઓને સાચવી રહ્યો હતો. જયેશભાઈનો પરિવાર અન્યત્ર શિફ્ટ થઈ જતાં હવે આ પાદુકાઓનુ સ્થાપન ગુરૂવારે પર્વત પાટીયા ખાતે આવેલા મોડલ ટાઉન અચલગચ્ચછ ઉપાશ્રર્યમાં ગુરૂભગવંતોનાં આશિર્વાદથી વિધિવિધાન પ્મરાણે કરવામાં આવશે.

મુનિ વિદ્યાસાગરસૂરીશ્વરજી મહારાજ સુરતમાં જ કાળધર્મ પામ્યા હતાં
ઈ.સ.1662માં મુનિ વિદ્યાસાગરસૂરીશ્વરજી મહારાજ સુરતની ભૂમિ ઉપરનાં ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા હતાં. સુરતની ભૂમિ મહારાજ માટે અગ્નિસંસ્કાર ભૂમિ છે. અને ત્યારબાદ તેમની ચરણ પાદુકાઓ સુરતમાં સ્થાપિત કરવામાં આવી હતી. વર્ષ 1662ની કાર્તિક પુર્ણિમાનાં દિવશે આ પાદુકાઓની સ્થાપનાં વિધિવિધાન સાથે કરવામાં આવી હતી. જેનો જૈન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમયાંતરે તેમનાં બે શિષ્યો કનકગુણાશ્રીજી મહારાજ તથા ઉદયસાગર મહારાજની પણ પાદુકાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top