મુંબઈ: મુંબઈના મીરા રોડ વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરના મર્ડર કેસમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. આરોપી મનોજ સાનેએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું છે કે તેણે તેની પાર્ટનર સરસ્વતીનું મર્ડર કર્યું નથી. સરસ્વતીએ 3 જૂને આત્મહત્યા કરી હતી. પોતે ગભરાઈ જઈને સરસ્વતીની લાશના ટુકડા કર્યા હતા. જોકે, પોલીસને મનોજના નિવેદન પર વિશ્વાસ નથી. મનોજ પોલીસની તપાસને ગેરમાર્ગે દોરવા માટે ખોટા નિવેદન આપી રહ્યાં હોવાનું અનુમાન લગાવી પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન 20 વર્ષનો ઉંમરનું અંતર ધરાવતા સરસ્વતી અને મનોજની લવસ્ટોરી અંગે પણ રોજ નવી વાતો બહાર આવી રહી છે.
માતાના મોત બાદ સરસ્વતી બાલિકા આશ્રમમાં રહેતી હતી
સરસ્વતીને ત્રણ બહેનો છે. બાળપણમાં જ તેના માતા-પિતા છૂટા પડી ગયા હતા. માતા-પિતાના અલગ થયા પછી સરસ્વતી તેની માતા સાથે રહેવા લાગી પરંતુ થોડા જ વર્ષોમાં તેની માતાનું અવસાન થયું. માતાના મૃત્યુ પછી, સરસ્વતીએ અહમદનગરમાં જાનકીબાઈ આપ્ટે બાલિકા આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું. આશ્રમમાં તેણે ધોરણ એકથી દસમા સુધીનો અભ્યાસ કર્યો. તે આ આશ્રમમાં દસ વર્ષ સુધી રહી. જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે સરસ્વતીએ આશ્રમ છોડી દીધો અને ઔરંગાબાદમાં તેની બહેન સાથે રહેવા લાગી. તે ચાર વર્ષ સુધી તેની બહેન સાથે રહેતી હતી. જે બાદ તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.
કરિયાણાની દુકાનમાં લવસ્ટોરી શરૂ થઈ હતી
મુંબઈમાં સરસ્વતી નિયમિત જે કરિયાણાની દુકાને જતી હતી ત્યાં મનોજ સાને કામ કરતો હતો. વર્ષ 2014માં સરસ્વતીની આ કરિયાણાની દુકાનમાં મનોજ સાને સાથે મુલાકાત થઈ હતી. અહીં બંને વચ્ચે નિકટતા વધી હતી. વર્ષ 2016થી બંને સાથે રહેવા લાગ્યા હતા. ત્રણ વર્ષ પહેલા તે મીરા રોડ પરના ફ્લેટમાં રહેવા આવ્યા હતા. તે મનોજની ઓળખ મામા તરીકે આપતી હતી.
પોલીસનું કહેવું છે કે 36 વર્ષીય સરસ્વતી ત્રણ વર્ષથી મનોજ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. બંને છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ ઈસ્ટ પર ગીતા આકાશદીપ બિલ્ડિંગના સાતમા માળે રહેતા હતા. મનોજના પાડોશીને બુધવારે સાનેના ફ્લેટમાંથી દુર્ગંધ આવી હતી. પાડોશીએ મનોજને પૂછ્યું કે દુર્ગંધ ક્યાંથી આવે છે. ત્યારે મનોજ ગભરાઈ ગયો હતો .
શું મનોજ અને સરસ્વતીના લગ્ન થયા હતા?
હવે આ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મનોજ અને સરસ્વતીના લગ્ન થયા હતા અને તેમના લગ્ન મંદિરમાં થયા હતા. સરસ્વતીએ આ લગ્ન વિશે પોતાની બહેનોને પણ જણાવ્યું હતું. પરંતુ તે સામાન્ય રીતે મનોજને મામા કહીને બોલાવતી હતી.
4 જૂને મનોજ દ્વારા સરસ્વતીની હત્યા કરવામાં આવી હતી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંભવતઃ મનોજ સાનેએ 4 જૂને સરસ્વતી વૈદ્યની હત્યા કરી હતી અને શરીરના અંગોનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ‘સાને તેના લિવ-ઈન પાર્ટનરે આત્મહત્યા કરી હોવાનો દાવો કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સંપૂર્ણ તપાસ બાદ સત્ય બહાર આવશે.’ મીરા-ભાઈંદર-વસાઈ-વિરાર પોલીસના ડીસીપી-ઝોન I જયંત બજબલેએ જણાવ્યું હતું કે શરીરના અંગોને ફોરેન્સિક તપાસ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
લોકોએ કહ્યું, આરોપી 4 દિવસથી કૂતરાઓને કંઈક ખવડાવી રહ્યો હતો
સોસાયટીના રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી છેલ્લા બે-ત્રણ દિવસથી કૂતરાંઓને કંઈક ખવડાવતો જોવા મળ્યો હતો. આ લોકોએ જણાવ્યું કે આરોપીને આ પહેલાં ક્યારેય આવું કરતા જોયો નથી.