બેઈજિંગઃ ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ લોકોના ટોળામાં કાર ચડાવી દીધી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે. ચીનના સરકારી ટેલિવિઝન સીસીટીવીએ જણાવ્યું કે મંગળવારે સાંજે ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના જૂથમાં કાર ઘૂસી જતાં 35 લોકો માર્યા ગયા અને 43 અન્ય ઘાયલ થયા છે.
ચીનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. ઝુહાઈમાં એક વૃદ્ધ અનિયંત્રિત ડ્રાઈવરે પોતાનું વાહન ભીડવાળા વિસ્તારમાં ઘુસાડી દીધું હતું. બેકાબૂ વાહનોની ટક્કરથી 78 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 35 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 43 લોકો ઘાયલ થયા છે તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. રાષ્ટ્રપતિએ ઘાયલોની સારવાર અને કડક સજાની ખાતરી આપી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને અંજામ આપનાર શંકાસ્પદ 62 વર્ષીય છૂટાછેડા લીધેલ વ્યક્તિ હતો, જેણે ભીડમાં પોતાની કારથી લોકોને ટક્કર મારી હતી. આ શંકાસ્પદ વ્યક્તિ પહેલા છરી વડે પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને સ્થળ પર જ પકડી લીધો હતો. ઝુહાઈ પોલીસ દ્વારા મંગળવારે જારી કરાયેલા નિવેદન અનુસાર શંકાસ્પદ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તે હુમલો હતો કે અકસ્માત હતો તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. કોઈ હેતુનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઝુહાઈ શહેરમાં કાર અથડામણમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
ચીનમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાને કારણે રસ્તાઓ પર દૂર દૂર સુધી મૃતદેહો દેખાઈ રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા ડઝનેક લોકો મદદ માટે ચીસો પાડતા જોવા મળ્યા હતા. અન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. સ્થળ પર આવું કરુણ દ્રશ્ય જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં ચાઈનીઝ પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.