Gujarat

34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન

ગાંધીનગર : રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગે કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે આયોગ દ્વારા રાજ્યના 34 જેટલા સિનિયર અને અનુભવી IAS અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ અને સુરત માટે દિગ્ગજ અધિકારીઓની પસંદગી
વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વની અને સંવેદનશીલ ગણાતી અમદાવાદ મહાનગરપાલિકા માટે સીનીયર આઈએએસ અવંતિકા સિંઘની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સુરત મનપા, જિલ્લા પંચાયત અને બારડોલી સહિતની નગરપાલિકાઓની જવાબદારી વરિષ્ઠ અધિકારી વિનોદ રાવને સોંપાઈ છે.
કયા શહેરમાં કોને મળી જવાબદારી ?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ વિવિધ મહાનગરોમાં નિરીક્ષકોની યાદી નીચે મુજબ છે
​• વડોદરા મનપા: લોચન શહેરા
​• રાજકોટ મનપા: આલોક કુમાર પાંડે
​• ભાવનગર મનપા: કું. આદ્રા અગ્રવાલ
​• મહેસાણા મનપા: શ્રીમતી એન. પી. પાટડિયા
​• નવસારી અને વાપી મનપા: વી. સી. બાગુલ
​• સુરેન્દ્રનગર મનપા: એ. એસ. મંડોત
​• મોરબી મનપા: જી. વી. મિયાણી
​• નડિયાદ મનપા: કું. એ. યુ. મકવા
​• આણંદ-કરમસદ મનપા: એ. એ. ડોડિયા
​• પોરબંદર મનપા: સી. ડી. રાઠવા
આ નિરીક્ષકોને આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા અને ચૂંટણી દરમિયાન થતી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે વિશેષ સત્તા આપવામાં આવી છે. તેઓ ઉમેદવારી પત્રોની ચકાસણી, મતદાન મથકોની વ્યવસ્થા, સુરક્ષા અને મતગણતરી જેવી તમામ પ્રક્રિયાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે.
રાજ્ય ચૂંટણી આયોગે તમામ નિરીક્ષકોને કોઈપણ રાજકીય દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર અને તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી છે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવાનો અને નાગરિકો નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવો માહોલ તૈયાર કરવાનો છે. સચિવાલયના વહીવટી વર્તુળોમાં આ નિર્ણયને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા વધારવા માટેનું એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top