ગાંધીનગર : સાળંગપુરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’માં ૩૩ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. આ ૩૩ યુવાનોએ બે વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી.
દીક્ષિત થયેલા આ ૩૩ યુવાનો ભૌતિક અને શૈક્ષણિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં ૧૩ એન્જિનિયર્સ, ૧૧ ગ્રેજ્યુએટ્સ, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૧ ડોક્ટર, ૧ આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા ૪ યુવાનોનો સમાવેશ થાય છે. આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા ૪ NRI યુવાનોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા સહર્ષ અપનાવી છે. આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

દીક્ષા મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે ૬ વાગ્યે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. દીક્ષા સમારોહ અંતર્ગત વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવી હતી તેમજ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી. ત્યારબાદ, મહંત સ્વામી મહારાજે નવદીક્ષિત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ (અર્થાત્: હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું)નો ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે મહંતસ્વામી મહારાજે ૨૯ યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી. આજની દીક્ષા સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ ૩૫૨ યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે જ BAPS સંસ્થાના સંતોની કુલ સંખ્યા ૧૨૩૪ના આંકડા પર પહોંચી છે.