ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ લશ્કરી વિમાન પહોંચ્યું છે. આ વિમાન પંજાબના અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. યુએસ લશ્કરી વિમાન C-17 માં 13 બાળકો સહિત 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સવાર હતા. જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ છે. મળતી માહિતી મુજબ, વિમાનમાં ગુજરાતના 33, હરિયાણાના 33, પંજાબના 30, મહારાષ્ટ્રના 3, યુપીના 3 અને ચંદીગઢના 2 નાગરિકો છે.
અમેરિકાથી ભારતીયોને દેશનિકાલ કરવાની આ પહેલી ઘટના
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા બાદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે અને તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાની આ પહેલી ઘટના છે. આ અગાઉ યુએસ લશ્કરી વિમાન C-17 એ ટેક્સાસના સાન એન્ટોનિયોથી ઉડાન ભરી હતી. આજે આ વિમાન બપોરે 1.59 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું.

પોલીસ અને વહીવટી અધિકારીઓ ઉપરાંત એરપોર્ટ પર યુએસ એમ્બેસીના પ્રતિનિધિ પણ હાજર હતા. ડિપોર્ટ કરાયેલા મોટાભાગના લોકો યુએસ-મેક્સિકો સરહદ પર પકડાયા હતા. જોકે, આ લોકો ભારતમાં ગુનેગાર નથી. આ લોકોએ દેશ છોડવાનો કાનૂની રસ્તો અપનાવ્યો હતો. જોકે, એવો આરોપ છે કે તેણે ગેરકાયદેસર ડોન્કી રૂટ પરથી તેઓ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

વિમાનમાં 104 લોકો હતા
ડિપોર્ટ કરાયેલા લોકોની ધરપકડનો કોઈ આધાર નથી. કારણ કે તેઓએ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે જો આ લોકોના પાસપોર્ટ ઉપલબ્ધ ન હોય તો બાયોમેટ્રિક્સ દ્વારા તેમની ઓળખ કરી શકાય છે. પહેલાના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે લશ્કરી વિમાનમાં લગભગ 200 ભારતીયો સવાર હતા પરંતુ પાછળથી પુષ્ટિ મળી કે વિમાનમાં ફક્ત 104 લોકો જ સવાર હતા.

મંગળવારે પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડિપોર્ટ કરાયેલા લોકો માટે એરપોર્ટ પર કાઉન્ટર શરૂ કરશે. રાજ્યના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આવતા અઠવાડિયે વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાના યુએસ સરકારના નિર્ણયથી તે નિરાશ છે.
ધાલીવાલે કહ્યું કે દેશના અર્થતંત્રમાં યોગદાન આપનારા આ લોકોને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ આપવું જોઈતું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઘણા ભારતીયો વર્ક પરમિટ પર અમેરિકા ગયા હતા પરંતુ તેમની મુદત પૂરી થતાં તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની ગયા હતા.