Madhya Gujarat

લુણાવાડાના ન્યાયધીશ સાથે છેતરપિંડી કરનારા 3 પકડાયાં

આણંદ : લુણાવાડાના ન્યાયધિશે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ઓનલાઇન વેબસાઇટ પર રૂ.21 હજારનું દાન આપ્યું હતુ. જોકે, આ વેબ સાઇટ બોગસ હોવાનો ખ્યાલ આવતા તેમના પત્નીએ લુણાવાડા પોલીસમાં ફરિયાદ આપતા તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે બિહાર સુધી તાર લંબાવી ત્રણ ઠગને પકડી પાડ્યાં હતાં. જેમની પ્રાથમિક તપાસમાં જ 9.56 લાખની છેતરપિંડી ખુલી હતી.

લુણાવાડામાં રહેતા ન્યાયધિશે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે દાન આપવાના હેતુથી વેબસાઇટ સર્ચ કરી હતી. જેમાં તેમને https://srirammandirtrust.com નામની વેબસાઇટ મળી હતી. આ વેબસાઇટ પર જરૂરી પ્રક્રિયા કરી તેઓએ રૂ.21 હજારનું દાન આપ્યું હતું. જોકે, કોઇ પહોંચ આવી નહતી. તપાસ દરમિયાન આ રકમ બિટ્ટુ કુમારના નામે ટ્રાન્સફર થઇ હતી. આથી તેઓએ મેઇલ કરી પહોંચ માંગી હતી. પરંતુ તે મળી નહતી. આથી, ફોન કરતાં સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું બહાર આવતાં તેઓ ચોંકી ગયા હતા અને તાત્કાલિક ફરિયાદ આપતાં લુણાવાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મહીસાગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડે જરૂરી ટેકનીકલ માહિતી મેળવી ફેક વેબ સાઇટ બનાવનારનું લોકેશન જોતા તે બિહારના પટના હોવાનું ખુલ્યું હતું. આથી, એક ટીમ બિહાર પહોંચી ફેક વેબ સાઇટ બનાવનારા જયોતીશકુમાર જગેવપ્રસાદ કુસ્વાહા (ઉ.વ.૨૧), રોહીતકુમાર બીપીનસિહ (ઉ.વ.૨૪), વિકાસકુમાર રાજકુમાર પ્રસાદ (ઉ.વ.૨૪)ને પકડી પાડ્યાં હતાં. તેમની પૂછપરછ કરતાં આ વેબસાઇટ રાજીવકુમાર નામના શખસે બનાવી આપી એકાઉન્ટ ધારક તરીકે બિટ્ટુકુમારનું નામ નાંખ્યું હતું. પોલીસે બેંક પાસે સ્ટેટમેન્ટ કઢાવતા કુલ ૯,૫૬,૫૬૮ રૂપિયાની લેતીદેતી બહાર આવી હતી. બેંકની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરી વાપરવામાં આવતો રેડમી કંપનીનો એન્ડ્રોઇડ ફોન પણ મળી આવ્યો હતો. જેથી બેંકને આ ખાતા ધારકના નામનુ બેંક એકાઉન્ટ સીઝ કરવા માટે રીપોર્ટ કરવામાં આવ્યો છે.  હાલ આ ત્રણેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.  જેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

મંદિરનો ઓરીજનલ મોબાઇલ નંબર વેબસાઇટમાં મુકતા ભાંટો ફુટ્યો

ઠગ ટોળકીએ રામ મંદીરનો ઓરીઝનલ મોબાઇલ નંબર ૮૦૦૯૫૨૨૧૧૧ ફેક વેબ-સાઇટ પર મુકી લોકોને વેબ-સાઇટ સાચી હોવાનું ભરમાવી બિટ્ટુકુમારના નામે ખોટુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ઉપરાંત બીજી અન્ય બેંકોમાં અલગ અલગ ખાતા ખોલાવી છેતરપિંડી કરી ગુન્હો આચરતી ત્રિપુટી મળી આવતા તેઓની પાસેથી અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ તેમજ ક્રેડીટ કાર્ડ નંગ-૧૦ તથા અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ એન્ડ્રોરોઇડ મોબાઇલો તેમજ સીમ કાર્ડ ૯ તથા ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ ફોરવીલ ગાડી તથા રોકડ રકમ રૂપિયા ૨૩,૧૬૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મજુરી કામ કરતા બિટ્ટુના ડોક્યુમેન્ટ મેળવી તેના નામે એકાઉન્ટ બનાવ્યું

વેબ – સાઇટની અંદર એકાઉન્ટ ધારકનું નામ બિટ્ટુ કુમાર અંગે પોલીસે તપાસ કરતાં તે પુછતા પટના ખાતે મજુરી કામ કરતો યુવક હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખસો મજુરી કામના કોન્ટ્રાકટર છે. જે તે મજુરોના ખાતા બેંકમાં મોબાઇલ બેંકીંગથી ખોલી અને જ્યારે કેવાયસી અપડેટ કરવા માટે એકાઉન્ટ ધારક પાસે બેંકનો કર્મચારી જતો તો તેમને કોન્ટ્રાકટર કેવાયસી અપડેટ કરાવી દેતો હતો. જે ખાતાઓના એટીએમ બિટ્ટુ નામના વ્યકિત સોનુ હાઉસ રૂકનપુર બેઇલી રોડ આઇસી હોન્ડા પટના પર બ્લુ ડર્ટ કુરીયર મારફતે આવતા હતા. જે એટીએમ વિકાસ નામનો ઇસમ મેળવી મોબાઇલ નંબર દ્વાર પીન જનરેટ કરી પૈસા ઉપાડી લેતો હતો.

Most Popular

To Top