આણંદ: આણંદ નગરપાલિકાના વોર્ડનં 5ની પેટાચૂંટણીમાં ચાર ઉમેદવારો ચૂંટણી જંગ રહ્યા હતા. ચુંટણી તંત્રએ રવિવારે યોજાયેલ મતદાન માટે 15 મતદાન મથકો પર તમામ વ્યવસ્થા ઉભી કરી હતી. વોર્ડ નં 5ના 13,469 મતદારોને ધ્યાને રાખીને 15 મતદાન મથકો 18 જેટલા ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા. જ્યારે મતદાન પ્રક્રિયા માટે 75 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી હતી છે. પોલીસ તંત્ર દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક પીઆઇ, 2 પીએસઆઇ સહિત પોલીસ કોન્સટેબલ, હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
મતદાન એકદંરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. પરંતુ ખુબ જ ઓછા અને નિરસ ગણાય તેવા માત્ર ૩૨ % મતદાનને કારણે ચારેય ઉમેદવારોનુ એડીચોટીનું જોર અસરકારક રહ્યુ નથી તેમ ફલીત થયું છે. રવિવારે યોજાયેલ મતદાન બાદ મંગળવારે મત ગણતરી હાથ ધરાશે. આણંદ વોર્ડનં 5માં ભાજપ -કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ ખેલાઇ છે. પરંતુ નિરસ મતદાનને કારણે હાલ દરેક ઉમેદવારને અને રાજકીય પક્ષોને નિશ્ચિત કરેલા સમીકરણો બદલાઇ જાય તો નવાઈ નહીં એવી કશ્મકશભરી સ્થિતિ સર્જાઈ છે.
ઠાસરા પાલિકાના વોર્ડ નં 2 ની પેટાચુંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન
નડિયાદ: ઠાસરા નગરપાલિકાના વોર્ડ નં 2 ની ખાલી પડેલી એક સીટ માટે રવિવારના રોજ લેવાયેલી પેટાચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. બંને ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમમાં સીલ થઈ ગયાં છે. ત્યારે, આ પેટાચુંટણીની મતગણતરી આગામી તા.8-8-23 ના રોજ યોજાશે ઠાસરા નગરપાલિકામાં વોર્ડ નં 2 ની એક સીટ છેલ્લાં ઘણાં સમયથી ખાલી પડી હતી. ખાલી પડેલી આ સીટ માટે રવિવારના રોજ બે બુથ ઉપર પેટાચુંટણી યોજવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ પેટીચુંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ પોતાનો કિંમતી મત આપ્યો હતો. આ પેટાચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રજ્ઞેશભાઈ ગોહેલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર ફૈજલ મલેક વચ્ચે સીધી ટક્કર હતી. બંને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. જોકે, ચુંટણીનો જંગ કોણ જીતશે ? તે તો આગામી તારીખ 8 મી ઓગસ્ટને મંગળવારના રોજ મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.