National

વૈષ્ણો દેવીમાં ભૂસ્ખલનમાં 32 લોકો માર્યા ગયા, જમ્મુ સ્ટેશન પર 1500 મુસાફરો ફસાયા

જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે સ્થિત વૈષ્ણોદેવી ધામ તરફ જતા માર્ગ પર થયેલા ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 32 થયો છે. આ દુર્ઘટના ગત રોજ તા.26 ઓગસ્ટ 2025ના મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે અર્ધકુમારી મંદિરથી થોડે દૂર ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે જૂના ટ્રેક પર બની હતી. જોકે આ ઘટનાની શરૂઆતમાં સાત લોકોના મોતની પુષ્ટિ થઈ હતી પરંતુ રાતથી સવાર સુધીમાં આ મૃત્યુઆંક વધારો થતો ગયો છે.

ભૂસ્ખલન એટલો ભયાનક હતો કે મોટા પથ્થરો, ઝાડ અને કાટમાળ ક્ષણોમાં જ તૂટી પડ્યા હતા. ઘણા યાત્રાળુઓ આ અવશેષોમાં દટાઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પથ્થરો અચાનક તૂટી પડ્યા અને લોકો ભાગી પણ ન શક્યા.

વહીવટીતંત્ર મુજબ અત્યાર સુધીમાં લગભગ 23થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ઘણા યાત્રાળુઓ હજી પણ ગુમ છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે પરંતુ ભારે વરસાદને કારણે કામગીરીમાં અવરોધ ઉભા થઈ રહ્યા છે. હજી પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. સલામતીને ધ્યાનમાં રાખી વૈષ્ણોદેવી યાત્રાને તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં જમ્મુ શહેરમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

1500 જેટલા મુસાફરોએ સ્ટેશન પર રહેવું પડ્યું
બીજી બાજુ જમ્મુમાં વરસાદ અને પૂરની કહેર ચરમસીમાએ છે. જેના કારણે રેલ્વે વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જેને લઈ હજારો મુસાફરો ધણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જમ્મુ અને કટરા વચ્ચેના મનવાલ રેલ્વે સ્ટેશન પર છેલ્લા 24 કલાકથી પેસેન્જર ટ્રેન ફસાઈ ગઈ છે અને તેમાં મુસાફરી કરી રહેલા લગભગ 1500 મુસાફરોને સ્ટેશન પર જ રોકાવું પડી રહ્યું છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલ્વેએ પણ મોટા પગલાં લીધા છે. જમ્મુ-કટરા રૂટ પર દોડતી અને અહીં રોકાતી કુલ 22 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 27 ટ્રેનોને ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે. જોકે કટરા-શ્રીનગર વચ્ચેની ટ્રેન સેવા હાલ ચાલુ છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓમાં ભયનું વાતાવરણ છવાયું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ અને બચાવ દળો તહેનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન યાત્રાળુઓને સલામત સ્થળે પહોંચાડવાના પ્રયાસોમાં છે.

અપડેટ લઈ રહ્યો છું: ડો. જિતેન્દ્ર સિંહે
કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે બુધવારના રોજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં તા.26 ઓગસ્ટના રોજ માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન પછીની પરિસ્થિતિ અંગે અપડેટ શેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે જમ્મુ ડિવિઝન કમિશનર રમેશ કુમાર સતત તેમના સંપર્કમાં છે અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે આપણા બધા માટે ખૂબ જ આશ્વાસન આપનારી વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અપડેટ્સ મેળવી રહ્યા છે. 

Most Popular

To Top