આગની ઘટનાઓ બનતી અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ ફટકારી ફાયર સેફટી ઉભી કરવા માટે તાકીદ કરવા છતા નોટિસ ધોળીને પી જનારા સામે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરીને હોસ્પિટલો, ક્લિનિક અને દુકાનો મળીને કુલ 40 મિલ્કતો સીલ મારી દઇને સપાટો બોલાવી દીધો છે. જેને લઇને શહેરભરમાં ફફડાટ ફેલાયો છે.
શહેરમાં સતત બીજા દિવસે પણ ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો, ક્લિનિક અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવામાં આવી હતી. અગાઉ ફાયર વિભાગ દ્વારા નોટિસ અપાઈ હોવા છતાં ફાયર સેફ્ટીના મુદ્દે કોઈ કામગીરી ન કરનારી 32 જેટલી હોસ્પિટલ- ક્લિનિક તેમજ 8 દુકાનો સહિતને સીલ કરી હતી.
ઘણી એવી હોસ્પિટલ હતી કે, જ્યાં ફાયર સેફ્ટીના સાધનો હતા, પરંતુ તે આગ લાગે ત્યારે તેને ઉપયોગમાં આવી શકે તેવા સક્ષમ ન હતા તેવું પણ જાણવા મળ્યું હતું. આવી હોસ્પિટલોને અગાઉ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે ફાયર સેફ્ટીની પૂર્ણ સુવિધા ઉભી કરી ન હતી.
શહેરના લાલદરવાજાની રચના વુમન હોસ્પિટલ, ગોપી હોસ્પિટલ, આત્મજા હોસ્પિટલ, પરીખ ઓર્થોપેડિક હોસ્પિટલ, બમરોલીની ઉમા હોસ્પિટલ, વસુંધારા મેટરનીટી હોસ્પિટલ ભેસ્તાનની ભેસ્તાન કેર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાગામની ધ્રુવ હોસ્પિટલ, સાંઇકુપા હોસ્પિટલ, ડિંડોલીની લોટસ હોસ્પિટલ, નવયુગ હોસ્પિટલ, હરિઓમ જનરલ હોસ્પિટલ, રૂતા હોસ્પિટલ, ડુંભાલની મધર ગાયનેક હોસ્પિટલ, સાંઇ ક્લિનિક, કતારગામની પાવસિયા હોસ્પિટલ, પરવટ પાટિયાની પ્રમુખ ઓર્થોપેડિક હોસ્પિટલ, વાણી સ્કીન ક્લિનિક, પ્રિયંકા ઇ.એન.ટી. હોસ્પિટલ, ગીતા ડેન્ટલ હોસ્પિટલ, વરૂણ આંખની હોસ્પિટલ, નિલેશ ચિલ્ડ્રન હોસ્પિટલ, આદિત્ય સર્જિકલ હોસ્પિટલ, શ્રીજી પ્રસુતિગૂહ, બાલાજી આઇસીયુ, વિધા આંખની હોસ્પિટલ, હોમીયોપેથિક ક્લિનિક, એન્થમ કોર્પોરેશન, પ્રમુખ મેડિકલ સ્ટોર, ગોગલ્સ શોપ, એડવોકેટ હોસ્પિટલ, કૂરિયર શનશાઇન, ગોલ્ડન લોન ઓફિસ, સાયકલ સ્ટોર, ટ્રીનિટી સ્ટુડિયો, વેસુની મુન હોસ્પિટલ તેમજ ભટારની બંસરી હોસ્પિટલ, જુગલ હોસ્પિટલ, શ્રી શુભ હોસ્પિટલ અને ઉમિયા હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી કરી હતી.
હોસ્પિટલોમાં NOC લીધા પછી જ નવા દર્દી દાખલ કરી શકશે
આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડી.એચ.માખીજાનીએ જણાવ્યું હતું કે, જે હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા તે રૂમોને સીલ માર્યા નથી, જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા લગાવ્યા બાદ એન.ઓ.સી. મેળવ્યા પછી નવા દર્દીઓ દાખલ કરવા જાણ કરી છે. તે પણ લેખિતમાં બાહેંધરી લીઘા પછી સીલ ખોલવામાં આવશે.