SURAT

મુંબઈના કોમી રમખાણમાં રિવોલ્વર ઘરે લાવી સંતાડનાર સુરતથી 31 વર્ષે પકડાયો

સુરત: શહેર પોલીસે એક 31 વર્ષ જૂના કેસમાં સુરતના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી 31 વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે. સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનુ વાતાવરણ ઉભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહીની સૂચના આપી હતી.

દરમિયાન એસ.ઓ.જી.ના પીએસઆઈ એ.પી.જેબલીયા તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈને બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી છે. બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંભાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નં.03માં રેઇડ કરી હતી. ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 નંગ રીવોલ્વર મળી આવી હતી, જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે.

રિવોલ્વર કોમી રમખાણ વખતે મુંબઈમાં મળી હતી
હાથ બનાવટની રીવોલ્વર ક્યાંથી, કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પુછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 1993માં તેના માતા-પિતાજી સાથે મુંબઈ વિરાર પુરૂષોતમ પારેખ માર્ગ યુનિક એપાર્ટ ફ્લેટ નં. 307 ખાતે રહેતો હતો. ત્યારે દાઉદ ઈબ્રાહિમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો, ત્યારે તેના પિતાજીનુ અવસાન થયું હતું.

આ દરમ્યાન મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી, જેમાં ત્રણ રીવોલ્વર હતી. જે ત્રણ રીવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી. ત્યાર બાદ 1995માં સુરત રહેવા માટે આવી ગયો હતો. ત્યારે સામાનની અંદર સંતાડી ત્રણેય રીવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો. આરોપી વિરૂધ્ધમાં લિંબાયત પો.સ્ટે.માં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top