Vadodara

31 ડિસેમ્બરે કોઈ પણ અનિચ્છનીય હરકત કરનારને પોલીસ નહીં છોડે: નરસિમ્હા કોમાર


પ્રતિનિધિ, વડોદરા | તા.29 :
વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા વ્યાપક અને કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે 31 ડિસેમ્બરની રાત્રે કોઈ પણ અનિચ્છનીય કાર્યવાહી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કાયદો ભંગ કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

શહેરના હોટલ, પાર્ટી પ્લોટ, ફાર્મહાઉસ તથા જાહેર સ્થળોએ થતી ઉજવણીને ધ્યાનમાં રાખી ભીડભાડવાળા વિસ્તારો ઉપરાંત અવાવરુ અને સુમસામ વિસ્તારોમાં પણ સતત મોનિટરિંગ રાખવામાં આવશે. પોલીસના વિશેષ વાહનો સાથે ટીમો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે જેથી અસામાજિક તત્વો કોઈ પ્રકારની દખલગીરી ન કરી શકે.

એરિયા ડોમિનેશન એક્સરસાઈઝ યોજાઈ

આગામી 31 ડિસેમ્બરના સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એરિયા ડોમિનેશન એક્સરસાઈઝનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર IPS સહિત ઉચ્ચ અધિકારીઓ, તમામ પીઆઈ તથા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સ્ટાફને કાયદો ભંગ કરનાર સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના અપાઈ હતી.

2500થી વધુ જવાનો ખડે પગે ફરજ પર

31 ડિસેમ્બર દરમિયાન શહેરમાં કુલ 6 ડીસીપી, 13 એસીપી, 54 પીઆઈ, 75 પીએસઆઈ, 2000થી વધુ પોલીસ કર્મચારી તેમજ 600 ટીઆરબી અને હોમગાર્ડ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે. જ્યાં વધુ ભીડ હશે ત્યાં ટ્રાફિક પોલીસ અને શી-ટીમની પણ ખાસ હાજરી રહેશે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી

છેલ્લા ઘણા દિવસોથી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે ચાલતી કાર્યવાહી 31 ડિસેમ્બરની રાત્રે વધુ કડક બનાવાશે. નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે વિશેષ ચેકિંગ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હોટલ અને ફાર્મહાઉસ સંચાલકોને ચેતવણી

શહેરના તમામ હોટલ અને ફાર્મહાઉસ સંચાલકોને નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી દેવાઈ છે. નોંધનીય છે કે અત્યાર સુધી શહેરમાં કોઈપણ ફાર્મહાઉસ કે હોટલ દ્વારા ઉજવણી માટે સત્તાવાર મંજૂરી માંગવામાં આવી નથી.



Most Popular

To Top