Editorial

એક જ દિવસમાં કોરોનાના 3095 કેસ, છેલ્લા છ માસમાં સૌથી વધુ, લોકો સતર્ક રહે તે જરૂરી

ત્રણ વર્ષ પહેલા આખા વિશ્વમાં ભારે હાહાકાર મચાવી દેનાર કોરોનાની મહામારી ફરી માથું ઉંચકવા લાગી છે. છેલ્લા એકાદ વર્ષથી ભારતમાં કોરોનાના વળતા પાણી હતા. ત્યાં સુધી કે કોરોનાના કેસ ઘટીને નગણ્યની સ્થિતિએ આવી ગયા હતા. અનેક શહેરોમાં કોરોનાનો એકપણ કેસ નોંધાતો નહોતો. પરંતુ હવે ફરી કોરોના ફેલાવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં આ વર્ષના સૌથી વધુ 3095 કેસ નોંધાયા છે.

જે છેલ્લા 6 માસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. કોરોનાને કારણે એક જ દિવસમાં 5ના મોત થયા છે. દિલ્હીમાં તો એક જ અઠવાડિયામાં કોરોનાના કેસની સંખ્યા 3 ગણી થઈ ગઈ છે અને એક્ટિવ કેસની બાબતોમાં ગુજરાતનો દેશમાં ત્રીજો ક્રમ થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મોતની સંખ્યા 5.30 લાખ સુધી પહોંચી ગઈ છે. ગુરૂવારે કોરોનાથી જેમના મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં 3, દિલ્હીમાં 2 અને એક મોત હિમાચલ પ્રદેશમાં નોંધાયું છે. કોરોનાની મહામારી વધી રહી હોવાનું કારણ એક એ પણ છે કે દૈનિક પોઝિટિવિટીનો રેટ પણ વધીને 2.73 ટકા પર પહોંચી ગયો છે.

કોરોનાના વધી રહેલા કેસને કારણે કેન્દ્ર સરકારની સાથે સાથે વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે કોરોનાના મામલે હાલમાં 6 રાજ્યોમાં સતર્ક રહેવા માટે કહ્યું છે. આ છ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. દિલ્હીમાં કેસ વધતા પહેલા મહારાષ્ટ્રમાં વધ્યા હતા અને હવે આ છ રાજ્યોમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

દેશમાં કોરોનાના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં 70 ટકાથી પણ વધુ કેસ આ છ રાજ્યોમાંથી આવી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે, દિલ્હીમાં અગાઉ 15મી માર્ચના રોજ કોરોનાના દૈનિક કેસ માત્ર 42 જ હતા ત્યાં હવે કેસનો આંકડો વધીને 295 થઈ ગયો છે અને સક્રિય કેસની સંખ્યા પણ 932 થઈ ગયા છે. ગુરૂવારે દેશમાં નોંધાયેલા કોરોનાના કેસમાં સૌથી વધુ 686 કેસ કેરળમાં નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હવે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જે મુસાફરો ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરીયા, થાઈલેન્ડ કે પછી જાપાનથી આવતા હશે તેમણે પોતાનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે લોકોએ ફરી કોરોનાના મામલે સાવધ રહેવાની જરૂરીયાત છે. કોરોનાની જે ગાઈડલાઈન અગાઉ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી તે જ ગાઈડલાઈનનું પણ હાલમાં દરેક વ્યક્તિ પાલન કરે તો કોરોનાથી બચી શકે તેમ છે. માસ્ક પહેરવાની સાથે જેમણે વેક્સિન લેવાની બાકી છે તે વેક્સિન લઈને કોરોનાની સામે લડી શકે છે.

શક્ય હોય ત્યાં સુધી એકબીજાથી ડિસ્ટન્સ રાખવાની સાથે ભૂતકાળની જેમ સેનિટાઈઝરનો ઉપયોગ સહિતના પગલા કોરોનાથી માણસને બચાવી શકે તેમ છે. કોરોનાની મહામારી એવી છે કે તેમાં વાઈરસ પોતાનું રૂપ બદલતો રહે છે. જ્યારે પણ આ મ્યુટેશનમાં વાઈરસ ખતરનાક બને ત્યારે કોરોનાના કેસની સંખ્યામાં અચાનક મોટો વધારો થઈ જાય છે. કોરોનાના મામલે એટલી રાહત છે કે વેક્સિનેશન બાદ કોરોનાથી થતાં મોતની સંખ્યા નજીવી થઈ ગઈ છે. આ કારણે જ લોકો પણ કોરોનાના મામલે બિન્દાસ્ત થઈ ગયા છે. પરંતુ એ ધ્યાન રહે કે કોરોના ગયો નથી અને ગમે ત્યારે તેની જીવલેણ અસર થઈ શકે તેમ છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે કોરોનાથી ગભરાવવાની જરૂરીયાત નથી પરંતુ સતર્ક રહેવાની જરૂરીયાત છે. જો લોકો ધ્યાન નહીં રાખે તો કોરોનાની મહામારી ફરી અગાઉની જેમ ફેલાઈ શકે તેમ છે તે નક્કી છે.

Most Popular

To Top