ઇજિપ્તમાં એક સ્થળે રેતાળ જમીનની નીચે દબાયેલું લગભગ ૩૦૦૦ વર્ષ જુનું શહેર મળી આવ્યું છે જેને તેની સમૃદ્ધિના કારણે સોનેરી શહેર પણ કહેવામાં આવે છે.
પુરાતત્વવિદોએ ગઇકાલે જાહેરાત કરી હતી કે તેમને ઇજિપ્તનું સૌથી પ્રાચીન શહેર ગઇકાલે રેતી નીચે દબાયેલું મળી આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે તુતુનખામેનના મકબરા પછી આ સૌથી મોટી શોધ છે.
જાણીતી ઇજિપ્શ્યન સંશોધક જાહી હવાસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ શહેર લગ્ઝર નજીક મળી આવ્યું છે. સંશોધક ટીમના નિવેદનમાં જણાવાયું છે કે આ શહેર ૩૦૦૦ વર્ષ જુનું છે અને તે એમેનોટોપ-ત્રીજા અને તુતુનખામેનના શાસનકાળ દરમ્યાન પણ અસ્તિત્વમાં હતું. તેને ઇજિપ્તનું સૌથી પ્રાચીન વિશાળ શહેર માનવામાં આવે છે.
સંશોધક ટીમે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આની શોધ શરૂ કરી હતી. ઇજિપ્તની રાજધાની કેરોથી લગભગ ૫૦૦ કિ.મી. દૂરના વિસ્તારમાં આ શહેર મળી આવ્યું છે.
પહેલા અહીં માટીની ઇંટોમાંથી બનેલી આકૃતિઓ મળવા માંડી, પછી લગભગ આખી દિવાલો અને સામાનથી ભરેલા ઓરડાઓ વગેરે મળવા માંડ્યા. ટીમે જણાવ્યું છે કે આ વિસ્તાર હજારો વર્ષ પછી પણ એવો મળ્યો છે કે જાણે કાલનો જ હોય. અહીં ઘરેણાઓ સહિત અનેક વૈભવી વસ્તુઓ મળી છે જે તે સમયની ઇજિપ્તની સમૃદ્ધિ દર્શાવે છે.