SURAT

સુરત શહેરમાં મારૂતિનંદન અને શુભકારી પ્રોસેસર્સ જેવા 300 બેનબંરી એકમો

સુરતમાં જીપીસીબીથી માંડીને સંબધિત તમામ સરકારી વિભાગોની મંજૂરી વિના જ ધમધમતી આશરે 300થી વધુ ગેરકાયદે ડાઈંગ હાઉસ ધમધમતા હોવાની ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ ડાઈંગ હાઉસો દ્વારા સુરતમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં પણ જીપીસીબી દ્વારા સૂચક મૌન રાખવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ઔદ્યોગિકીકરણ સાથે કેટલીક સમસ્યાઓ પણ વધી ગઇ છે. સુરત શહેરની પાંડસરા જીઆઇડીસીમાં ચિંધી બાળતા પારસ મીલ, ન્યુ પારસ પ્રિન્ટ સહિત ભાગ્યલક્ષ્મી અને મનિષ ડાઈંગમાં પ્રદૂષણની ફરિયાદ બાદ ડીંડોલી વિસ્તાર અને વડોદ વિસ્તારમાં ગેરકાયદે એકમોની ફરિયાદો આવી છે. ડીંડોલીમાં રેલવે ટ્રેક સામે મારૂતિનંદન એન્ટરપ્રાઇઝ સહિત બીઆરસીમાં શુભકારી પ્રોસેસર્સ ગેરકાયદે ધમધમી રહી છે. વડોદ વિસ્તારમાં પણ ગેરકાયદે સિમેન્ટ મિક્ષરના પ્લાન્ટ ચાલી રહ્યા છે.

આ અંગે જીપીસીબીના સતત મૌન બાદ આજે તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જીપીસીબીના કેટલાંક બાબુઓ સાથે ખેલ પાડી કેટલાંક લોકોએ બેનંબરમાં ઇન્ડસ્ટ્રી શરુ કરી દીધી છે. પાંડેસરા જીઆઇડીસીની સાથે સાથે ભેસ્તાન, વડોદ, બમરોલી, કતારગામ, વેડરોડ, અમરોલી, કરંજ સહિત લિંબાયત અને ડીંડોલી સહિત સચીન જીઆઇડીસીમાં પણ સેંકડો ગેરકાયદે એકમો ધમધમી રહ્યા છે. આ એવા એકમો છે જે જીપીસીબીના દફદતરે નોંધાયા નથી. તેમણે જીપીસીબીની કોઇ પરવાનગી સુધ્ધાં નથી લીધી. આવી મિલોને જાણે સુરતમાં પ્રદૂષણ ફેલાવવા માટે છુટોદોર મળી ગયો છે.

સુરતમાં ચાલતા આવા એકમોનો આંકડો પણ 300 કરતા વધુ હોવાનું કહેવાય છે. આવા એકમોએ ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડવા સહિત હવામાં પ્રદૂષણ ફેલાવવામાં કોઇ કચાશ રાખી નથી. આવા એકમો સામે સરકારી તંત્ર કોઇ પગલા ભરતું નથી. કેમ કે જીપીસીબી સહિત સંલગ્ન વિભાગોમાં આવા એકમો તરફથી નિયમિત હપ્તા પહોંચાડવામાં આવે છે જેને લઇને સુરત શહેરમાં ગેરકાયદે એકમોનું જંગલ ખડકાઇ ગયું છે. આવા એકમો પાસે દૂષિત પાણી ટ્રીટ કરવા કે એર ક્વોલીટી માપવા માટેના પણ સાધનો નથી, છતાં સુરતમાં ગેરકાયદે એકમો બેરોકટોક ધમધમી રહ્યા છે.

બે નંબરી એકમોથી જીઆઈડીસીના એકમો ઉપર પણ ભીંસ વધી
સુરત શહેરમાં જીપીસીબીની પરવાનગી વિના ચાલતા એકમોની ભરમાર છે. શહેરના અલગઅલગ વિસ્તારોમાં આવા 300 એકમો છે. જેમણે જીપીસીબી સહિત ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે સેફટી વિભાગ સહિત કોઇ પરવાનગી લીધી નથી. આવા એકમોએ કર્મચારી ભવિષ્ય નિધી કે વિમા રોજગાર કચેરીની પણ પરવાનગી લીધી નથી. આવા એકમો સુરતમાં જીવતા બોમ્બ સમાન છે. પરંતુ જીપીસીબીની રહેમ નજરને કારણે ગેરકાયદે એકમો ધમધમી રહ્યા છે. આવા ગેરકાયદે એકમોને કારણે જીપીસીબીની પરવાનગી ધરાવતા એકમો પણ અસ્તિત્વનો જંગ લડી રહ્યા છે.

Most Popular

To Top