થોડાં વર્ષો પહેલાં દુબઈમાં એક હોનહાર સોફ્ટવેર એન્જીનીયરનું મૃત્યુ થયું.અકાળે મોત દુઃખદ લેખાય,ખેર – એન્જીનીયરની નોમીની તેની પત્ની હતી. એન્જીનીયરના ખાતામાં ૨.૯ મિલિયન ડોલર હતા, હવે જેની માલિક તેની વિધવા પત્ની હતી. પત્નીએ તેની જ ઓફીસના એક સહકર્મચારી સાથે લગ્ન કર્યા.
એ સહકર્મચારીએ કહ્યું, ‘હું હંમેશા વિચારતો કે હું મારા માલિક માટે કામ કરું છું પણ હવે મને સમજાયું કે આ તો માલિક તેમની આખી જિંદગી મારા માટે કામ કરતા હતા.’ જે દિવસે મૃત્યુ થાય છે ત્યારે વ્યક્તિએ જીવનભર કમાયેલા પૈસાના ૭૦% થી વધુ પૈસા બેંકમાં કે અન્ય પ્રોપર્ટીમાં જ રહી જાય છે. જીવનભર વ્યક્તિ બચત કરી જીવતો હોય છે પણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું મોટા ભાગનું ધન બીજાના માટે રહેતું હોય છે.
વારસદારોને ધન કરતાં સારા સંસ્કાર અને મહેનત કરવાની શીખ વધુ કામ લાગતી હોય છે. સંતાનો માટે કે અન્ય કુટુંબીજનો માટે ધનની વ્યવસ્થા રાખવી જરૂરી છે પણ એ ભેગું કરવામાં સારી રીતે જીવન જીવવાની ક્ષણો જતી રહે છે. સારું અને સ્વસ્થ જીવન તથા બીજાને મદદરૂપ થયા હોય તેવું જીવન વધુ સફળ ગણાય. મોંઘા ફોનના ૭૦% ફંક્શન બિનઉપયોગી રહી જાય છે. મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ થતો નથી.
આલીશાન મકાનનો ૭૦% જેટલો હિસ્સો હંમેશા ખાલી જ રહે છે. પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યા જ રહ્યા હોય છે. પૂરી જીવનની કમાણીનો ૭૦% હિસ્સો બીજાના માટે રહી જાય છે.આપણામાં રહેલી ૭૦% શક્તિનો જીવનભર ઉપયોગ જ થતો નથી. આપણે તો આપણને મળેલું માત્ર ૩૦% જ વાપરીએ છીએ. અન્ય ન વપરાતું ૭૦% આપણા માટે તથા બીજાના માટે પણ શ્રેષ્ઠ રીતે વપરાય તેવી ગોઠવણ કરી જીવનમાં ખોટી દોડધામ ઓછી કરી સ્વસ્થ અને સંતોષી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો તે વધુ સાર્થક ગણાશે.
સુરત – સુનીલ રા.બર્મન -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.