આણંદ : આણંદ શહેરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં સાંસદ ખેલ સ્પર્ધા ઉપરાંત 30 ગ્રામ પંચાયતને ઘન કચરાના વ્યવસ્થાપન માટે 30 ઇ-રીક્ષા ફાળવી હતી. જેને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી અન્નમાંથી બનાવેલી વિવિધ વાનગીના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આણંદના વૃંદાવન મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ કરાવી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
ભારતીય કૂળની રમત કબડ્ડીની રમતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી મેદાનમાં પહોંચી ગયા હતા અને બેલ વગાડી તથા ટોસ ઉછાળીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી જિલ્લાની કુલ 14 ટીમનું અભિવાદન પણ મુખ્યમંત્રીએ કરી ખેલાડીઓના મનોબળમાં વૃદ્ધિ કરાવી હતી. આણંદમા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોમાં 600થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વિતીય ચરણ અંતર્ગત જિલ્લાની 30 ગ્રામ પંચાયતોને ઘન કચરા વ્યવસ્થાપન હેઠળ ડોર ટુ ડોર કલેક્શન તથા કચરા એકત્રીકરણ માટેની કુલ 30 ઇ-રિક્શાને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગ રૂપે શ્રીઅન્નમાંથી બનાવેલી વિવિધ વાનગીઓના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, ધારાસભ્યો સર્વ યોગેશભાઇ પટેલ, વિપુલભાઇ પટેલ, કમલેશભાઇ પટેલ, કલેક્ટર ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના વિગેરે હાજર રહ્યાં હતાં.