National

કોરોનાને કારણે ગુજરાતમાં 30મી એપ્રિલ સુધી તમામ બેંક સવારે 10થી 2 જ ખુલ્લી રહેશે

ગુજરાતના મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલું કોરોના સંક્રમણ જોતા રિઝર્વ બેંકે રાજ્ય સરકાર અને સરકારી, ખાનગી, સહકારી બેંકોના સ્ટેક હોલ્ડરો સાથે બેઠક કરી તમામ બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રાખવા આદેશ આપ્યો છે.

આવતીકાલથી બેંકો 30 એપ્રિલ સુધી આ નવા સમય પ્રમાણે કામકાજ કરશે. અગાઉ બપોરે 4-30 કલાક સુધી બેન્કિંગ કામકાજ થતું હતું. તે સમય ઘટાડવામાં આવ્યો છે.ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે ઘણી બેંકો કોવિડ ક્લસ્ટર અને કન્ટેનમેન્ટ એરિયામાં આવી ગઈ છે.

ઘણા બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તે પરિસ્થિતિમાં સરકાર અને આરબીઆઇએ 50 ટકા સ્ટાફ સાથે બેન્ક કાર્યરત રાખવા આદેશ આપ્યો છે. ઑલ્ટરનેટ તારીખોમાં એક એક દિવસના આંતરે સ્ટાફ કામ કરશે. બેંકો સિનિયર સિટિઝનને ઘર બેઠી સુવિધા આપશે. એટીએમમાં નાણાંની પૂરતી વ્યવસ્થા કરાશે.

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે તેથી બેંકોમાં ઓછામાં ઓછા ગ્રાહકોને જવું પડે. કોરોનાની સ્થિતિમાં ગ્રાહકો અને બેન્ક કર્મચારીઓ ઓછામાં ઓછા સંપર્કમાં આવે તેવો આ પ્રયાસ છે. ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે તે અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે.

Most Popular

To Top