Gujarat

રાજ્યમાં 30 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી: 56 માર્ગોને અસર

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે વરસાદના કારણે ખરીફ પાકને જીવતદાન મળ્યું છે. આ ઉપરાત લો પ્રેશર અને સાયકલોનિક સરકયુલેશનની અસર હેઠળ આગામી તા.30મી જુલાઈ સુધીમાં રાજ્યમાં સતત વરસાદ સાથે રાજ્યના કેટલાંક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે.

સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યમાં 56 માર્ગોને અસર પહોંચી છે. જેમાં પંચાયત હસ્તકના 54 અને જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ થયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં 9, તાપીમાં 5, સુરતમાં 4 રસ્તા બંધ છે.આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. આગામી તા.30મી જુલાઈ સુધીમાં રાજ્યના માછીમારોને દરિયો નહીં ખેડવા જવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં દરિયા કાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના રહેલી છે. જેના કારણે તોફાની બનવા સાથે ઊંચા મોજા પણ ઉછળી શકે છે.

રાજ્યના 240 તાલુકામાં મેઘમહેર: લોધિકામાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ જ્યારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨ થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે તા.૨૬/૦૭/૨૦૨૧ને સવારે ૬ કલાકે પુરા થતા છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં ૧૯૮ મી.મી., છોટા ઉદેપુર તાલુકામાં ૧૯૦ મી.મી., કવાંટ તાલુકામાં ૧૮૨ મી.મી., બેચરાજી તાલુકામાં ૧૬૦ મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં ૧૪૭ મી.મી. એટલે કે ૬થી ૮ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજ્યના બોટાદ, કપરાડા, માણાવદર, કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત ૧૯ તાલુકામાં ૪ થી ૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે ૬૦ તાલુકાઓ એવા છે જ્યાં ૨ થી ૪ ઈંચ અને ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી વિગત મુજબ આજે તા. ૨૬/૦૭/૨૦૨૧ને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં ૭૮ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ખેરગામ, ધરમપુર, વાંસદ, વાપી, વઘઈ, ડાંગ-આહવા, માળિયા, પારડી, ચીખલી, વિસાવદર, મોરબી, વલસાડ, કોડીનાર, ધાનપુર, સુબિર, ઉના, ગરબાડા, કપરાડા, માલપુર, ગણદેવી અને જાફરાબાદ મળી ૨૧ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે ૧૩૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મીથી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સરેરાશ વરસાદ 32 ટકા નોંધાયો
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૩૨.૫૮ ટકા એટલે કે ૨૭૩.૬૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૫.૧૯ ટકા જયારે કચ્છ ઝોનમાં ૩૦.૨૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૧.૮૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૩૦.૦૮ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૮.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે

Most Popular

To Top