Dakshin Gujarat

ઇન્કમટેક્સ નહીં ભરનાર સેલવાસના કરદાતાને 3 વર્ષની સજા

  • વોલેન્ટરી ડિસ્કલોઝર સ્કીમ અંતર્ગત જાહેર કરેલા કાળા નાણાં સામે રૂ. 26 લાખનો ટેક્સ ભર્યો ન હતો

વલસાડ: બ્લેક મની કબુલ કર્યા બાદ ઇન્કમટેક્સ નહીં ભરનાર સેલવાસના એક કરદાતા ને કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

સેલવાસના એક કરદાતાએ ઇન્કમ ટેક્સની વોલન્ટરી ડિસ્કલોઝર સ્કીમ અંતર્ગત વર્ષ 1997માં કાળા નાણાંની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત બાદ તેણે ભરવાની થતી ઇન્કમ ટેક્સની રકમ ભરી જ ન હતી. આ રકમ ન ભરતાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તેમનું એસેસમેન્ટ કર્યું તેમ છતાં તેણે ટેક્સ ન ભરતાં ઇન્કમટેક્સ અધિકારી શૈલેષભાઇ વાઘેલાએ કરદાતા સામે વર્ષ 2010માં વાપીની બીજી એડિશનલ જ્યુડિશ્ય મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. જેની સૂનવણી હાથ ધરાતા સ્પેશ્યલ પ્રોસિક્યુટર હાર્દિક શાહની દલીલ ગ્રાહ્ય રાખી જજ એમ. જે. કિકાણીએ આરોપી કરદાતાને 3 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ સાથે તેને ઇન્કમટેક્સમાં રૂ. 1.24 કરોડનો ટેક્સ અને ફરિયાદ માટે થયેલી હેરાનગતિ બદલ ઇન્કમટેક્સ વિભાગને રૂ. 1 લાખની ચૂકવણી કરવાનો હુકમ પણ કર્યો હતો.

સેલવાસ ટોકરખાડા ખાતે રહેતા રેડિમેડ ગારમેન્ટના વેપારી હસમુખભાઇ નગીનદાસ પ્રજાપતિએ 1997માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વોલન્ટરી ડિસ્કલોઝર ઓફ ઇન્કમ સ્કીમ અંતર્ગત રૂ. 3 લાખ રોકડા જમા કરેલું નાણું કાળું હોવાની જાહેરાત કરી હતી. આ રકમ તેણે 1995-96, 96-97માં જમા કરી હોવાનું જણાવ્યું હતુ.

જોકે, આ રકમ પર ભરવાનો થતો ટેક્સ તેણે ન ભરતાં વર્ષ 98-99માં તેની સામે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સ્કૂટીની કરી તેનું એસેસમેન્ટ કર્યું હતુ. હસમુખ પ્રજાપતિ તેમાં હાજર રહ્યા ન હતા. ત્યારબાદ તે કોઇ પણ કેસમાં હાજર રહ્યા ન હતા. ત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તેનું રૂ. 28,29,106 જેટલું કાળુ નાણું નોંધ્યું હતુ. જેની સામે તેણે રૂ. 26 લાખ જેટલો ઇન્કમટેક્સ ભરવાનો આવ્યો હતો.

આ ઇન્કમટેક્સ તેણે ભર્યો જ ન હતો અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી નોટિસને તેમણે સતત અવગણી હતી. જેના પગલે વાપી ઇન્કમટેક્સ અધિકારી શૈલેષભાઇ વાઘેલાએ ગત વર્ષ 2015માં તેમની વિરૂદ્ધ વાપીની બીજા એડિશનલ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફે સ્પેશ્યલ પ્રોસિક્યુટર હાર્દિક શાહે દલીલ કરી હતી. આ દલીલ ગ્રાહ્ય રાખી જજ એમ. જે. કિકાણીએ આરોપી હસમુખ પ્રજાપતિને 3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ ઇન્કમટેક્સના અધિકારીઓને કોર્ટ કેસ દરમિયાન થયેલી હેરાનગતિ બદલ ઇન્કમટેક્સ વિભાગને રૂ. 1 લાખ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. જોકે, આ સિવાય તેણે રૂ. 1.24 કરોડનો ઇન્કમટેક્સ ભરવાનો પણ હુકમ કર્યો હતો.

ઇન્કમટેક્સ મોડો ભરતાં મહિને 2 ટકાનો વધારો થયો હતો

હસમુખ પ્રજાપતિના એસેસમેન્ટ બાદ તેણે રૂ. 26 લાખ જેટલો ઇન્કમટેક્સ ભરવાનો થતો હતો. જોકે, તેણે આ ટેક્સ 25 વર્ષ સુધી ભર્યો જ ન હતો. આ ટેક્સ ન ભરતાં તેના વિરૂદ્ધ સંખ્યા બંધ નોટિસો નિકળી હતી. ત્યારબાદ તેના વિરૂદ્ધ કેસ થયો હતો. તેણે રૂ. 26 લાખનો ટેક્સ વર્ષ 2001માં ભરવાનો હતો. જે 17 મે 2025ના રોજ ભરવાનો હુકમ કોર્ટે કર્યો હતો. આ ટેક્સ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સેક્શન 220(2) અંતર્ગત માસિક 1 ટકાનું વ્યાજ અને સામાન્ય રીતે પેમેન્ટની ચૂકવણીમાં વાર્ષિક 12 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડતું હોય રૂ. 26 લાખનો ઇન્કમટેક્સ માસિક 2 ટકા અને વાર્ષિક 24 ટકે વધીને રૂ. 1.24 કરોડ જેટલો થઇ ગયો છે.

ગુજરાતના ઇતિહાસનો પ્રથમ કેસ

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ નહી ભરનાર કરદાતા પર કેસ કર્યો અને કોર્ટે તેને ટેક્સ ભરવાનો હુકમ કરી તેને જેલની સજા ફટકારી હોય એવો આ ગુજરાતનો પ્રથમ કેસ બન્યો છે. જેની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

કરદાતાએ 25 વર્ષ બાદ ટેક્સની રકમ ભરવી પડશે એવો હુકમ થયો છે. આ કેસ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વર્ષ 2010માં કોર્ટમાં દાખલ કર્યો હતો. ત્યારબાદ કોર્ટના અનેક જજ બદલાઇ ગયા હતા, પરંતુ જેને દાખલ કરનાર અધિકારી શૈલેષભાઇ વાઘેલાની બદલી થવા છતાં તેમણે જ આ કેસમાં હાજરી આપી હતી. જેના કારણે 15 વર્ષ બાદ આ કેસનો નિવેડો આવ્યો અને કરદાતાને ટેક્સ ભરવાનો હુકમ કરાયો છે.

Most Popular

To Top