Vadodara

નોકરીની લાલચ આપી ઠગાઈ કરનાર ભાજપ કાર્યકરના 3 સાગરીત ઝડપાયા

વડોદરા : વિઝા તેમજ નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ભાજપાના કહેવાતા ભેજાબાજ કાર્યકર ચિંતન ઉર્ફ ચેતન પટેલના 3 સાગરીતોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટોળકીના સુત્રધાર ચિંતન ઉર્ફ ચેતન પટેલ પાસેથી ચાર પાસપોર્ટ અને માર્કશીટો કબજે કરી છે. તેમજ ચિંતન પાસેથી પોલીસે જુદા જુદા રાજકીય પાર્ટીના પોતાના આઈકાર્ડ અને રાજકીય આગેવાનો મારફેટે મેળવેલ ખોટા સર્ટીઓ પણ કબ્જે કર્યા છે. 

વાઘોડિયા તાલુકાનો જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં વાઘોડિયા રોડ પરની શ્રી સોસાયટી ખાતે રહેતા ભાજપાના કહેવાતા કાર્યકર ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે 5.45 લાખની છેતરપિંડીની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઇ હતી. દરમિયાન પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. કે.પી. પરમાર અને તેમના સ્ટાફે બાતમીના આધારે ચિંતન ઉર્ફ ચેતન પટેલના સાગરીતો વિશાલ નવનિતલાલ તપોધન (રહે. સાંઇદીપનગર સોસાયટી, ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરા), દિક્ષીત વિપીનભાઇ સોલંકી (રહે. આણંદનગર, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ, વડોદરા) અને જયરાજ જાલમસીંગ બારીયા (રહે. રાજદીપ સોસા., વાઘોડિયા રોડ, વડોદરા)ની ધરપકડ કરી છે.

પાણીગેટ પોલીસ મથકના પી.આઇ. કે.પી. પરમારે જણાવ્યું હતું કે, લોકોને વિઝા અપાવાના નામે અને નોકરી અપાવાના નામે છેતરપિંડી કરનાર ટોળકી પૈકી મુખ્ય સુત્રધાર ચિંતન ઉર્ફ ચેતન રાજકીય પાર્ટીઓમાં પોતે ઉચ્ચ હોદ્દા ઉપર હોવાના કાર્ડ છપાવી લોકોને બતાવતો હતો. અને વિઝા તેમજ નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને તેના ઉપયોગમાં લેવાતા બોગસ દસ્તાવેજો પોતાના સાગરીતો સાથે બનાવડાવતો હતો.

જેથી  તેના વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં અને જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. વધુ એક છેતરપિંડીની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઠગ ચિંતન ઉર્ફ ચેતને વાઘોડિયાના લોકોને પણ સસ્તુ મકાન અપાવવા અને યુ.કે.ના વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરી હતી. ભોજબાજ ચિંતન ઉર્ફે ચેતન પટેલ સાથે છેતરપિંડીમાં સંકળાયેલો વિશાલ તપોધને ગેંડા સર્કલ પાસે સારાભાઇ કમ્પાઉન્ડ સ્થિત એટલાન્ટીક કે-10 બી- ટાવરમાં 217 નંબરની ઓફિસ ભાડેથી રાખી હતી. અને તેમાં નવ સર્જન પાર્ટી નામની રાજકીય પાર્ટીની ઓફિસ શરૂ કરી હતી. અને તે સાથે પાસપોર્ટ વિઝાનું કામ શરૂ કર્યું હતું. અને ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલ સાથે મળી બોગસ દસ્તાવેજો બનાવી લોકોને વિઝા અને નોકરી અપાવવાના નામે છેતરપિંડી શરૂ કરી હતી.

આ સાથે દિક્ષીત સોલંકીએ પોતાની કારેલીબાગ ન્યુ કોમ્પ્લેક્ષમાં એસ.બી.- 16, માં ગ્રાફિક્સ પોઇન્ટ નામની દુકાનમાં ચિંતન ઉર્ફ ચેતન પટેલ સાથે મળી ઓફિસના કમ્પ્યુટરમાં કેનેડા ખાતેના વર્ક પરમિટના ખોટા લેટરો, લોકોના બોગસ વિઝા, ઓ.એન.જી,સી.માં નોકરીવી બેગસ લેટરો તૈયાર કર્યા હતા. ચિંતન ઉર્ફ ચેતન પટેલ પકડાયા બાદ તેણે પોતાના કમ્પ્યુટરની હાર્ડ ડીસ સાથે ચેડાં કરી પુરાવાનો નાશ કર્યો હતો. જ્યારે જયરાજ બારીયા અમીતનગર સર્કલ પાસે આવેલ પી.સી. પટેલ નામની ઓફિસમાં ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન તેણે ઓ.એન.જી.સી.ના બોગસ ઓર્ડરો તેમજ બોગસ વિઝા બનાવ્યા હતા.

Most Popular

To Top