SURAT

લેઉવા પટેલ સમાજના વધુ એક યુવાનના અંગદાન થકી 3 વ્યક્તિઓને નવજીવન મળ્યું

સુરત: આજે સુરતથી ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા 49મી હૃદય દાન (Organ Donation) કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. લેઉવા પટેલ સમાજના બિપીનભાઈ કેશવજીભાઈ વાગડીયાના પરિવારે હૃદય અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેકાવી હતી. આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ (Heart transplant) સુરતની જ રહેવાસી મહિલામાં કરવામાં આવ્યું હતું.

જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ખાનગી હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. હૃદય સમયસર પહોંચાડવા ખાનગી હોસ્પિટલથી બીજી ખાનગી હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા-જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1070 થી વધુ વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

  • અંગદાન થકી 42 વર્ષિય બિપીનભાઈ વાગડીયાનું હૃદય સુરતની જ મહિલામાં ધબકશે
  • શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે અંગોનું દાન કરીને પપ્પાને બીજાના શરીરમાં જીવતા જોઈશ-તબીબ પુત્ર

નિલેશભાઈ માંડલેવાળાએ જણાવ્યું હતું કે, 42 વર્ષિય બિપીનભાઈ (મૂળ ગામ.ઘૂડસીયા, તા-જિ. જામનગર) અને હાલમાં 14 ભક્તિનંદન સોસાયટી વિભાગ-1, સેક્ટર-1 મોટા વરાછા સુરતમાં રહેતા હતા અને શ્રી શ્રી ડાયમંડ પ્લાનીંગ નામની કંપનીથી હીરાનો વ્યવસાય કરતા હતા. તા.15 સપ્ટેમ્બરના રોજ સાંજે બ્લડપ્રેશર વધી જવાના કારણે બેહોશ થઈ જતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ કર્યા હતા.

CT સ્કેન કરાવતા તેમણે બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. વધુ સારવાર માટે તા.16ના રોજ મુંબઈમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા.17મીએ હિન્દુજા હોસ્પિટલથી સુરતની કિરણ હોસ્પીટલમાં વધુ સારવાર માટે ન્યુરોફીઝીશયનની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા. 18મીએ ડોક્ટરોએ બિપીનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બિપીનભાઈના ભાઈ વિપુલભાઇના મિત્ર પીન્ટુભાઈ દેવાણીએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી બિપીનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. જ્યાં પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.

બિપીનભાઈનો પુત્ર રાજ કે જે ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેને જણાવ્યું કે, મેડીકલના વિદ્યાર્થી તરીકે અંગદાનનું મહત્વ શું છે, તે ખુબ જ સારી રીતે હું સમજુ છું. મારા પપ્પા બ્રેઇનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય, તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આપણે આગળ વધીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને અને બંને કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવી હતી. હૃદયનું દાન સુરતની મહાવીર હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટરો અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 17 વર્ષીય યુવકમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સેલવાસની રહેવાસી 27 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1173 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 484 કિડની, 208 લિવર, 49 હૃદય, 40 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 379 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1077 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મળી છે.

Most Popular

To Top