બીલીમોરા: રાજ્યના નવસારી જિલ્લાના ગણદેવીમાં આજે સવારે ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વહેલી સવારે ભડકાં સાથે ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 3 લોકો બળીને મૃત્યુ પામ્યા છે. 3ને ગંભીર ઈજા થઈ છે. આગમાં હજુ અનેક ફસાયાની આશંકા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. ફાયરના જવાનો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
શનિવારની સવાર બીલીમોરા દેવસર માટે ગોઝારી સાબિત થઈ હતી. દેવસર ખાતે આવેલી જય હિન્દ્ ક્લે વર્કના કમ્પાઉન્ડમાં આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં સવારે ટ્રક માથી માલ સામાન ખાલી કરાઈ રહ્યો હતો જેમાં બાર જેટલા કેમિકલના જ્વલનશીલ ડ્રમ પણ ખાલી કરતી વખતે અચાનક આગ લાગતા અફર તફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળ 50 ft ઊંચે સુધી જતાં દહેશત વ્યાપી જવા મામી હતી. આકાશમાં ઉડેલા ધુમાડાના ગોટેગોટા 7 થી 8 કિમી દૂરથી પણ જોઈ શકાતા હતા. આ લાગેલી આગમાં ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અનુપ મોહનસિંહ નુનિયા સાથે બીજા બે લોડ અનલોડ કરતા મજૂરો પણ બળીને રાખ થઈ ગયા હતા. તે સાથે બીજા ચાર લોકો પણ આગની ચપેટમાં આવી જતા તેઓ શરીર બુરી રીતે દાઝી જતા પહેલા બીલીમોરા ની સરકારી હોસ્પિટલ બાદ વલસાડ સિવિલમાં તેઓને રિફર કરવામાં આવ્યા હતા.
બોક્સ… બીલીમોરા ફાયરને આગ નો મેસેજ મળતા ત્વરિત ફાઈટરો સાથે સ્ટાફ ઘસી ગયો હતો. જેની મદદે ગણદેવી, ચીખલી અને નવસારીના ફાયર ફાઈટર પણ જોડાયા હતા, અને અઢી કલાકની જેહમતે આગ ઉપર કાબુ મેળવાયો હતો. ઘટના સ્થળ ની આસપાસ પાર્ક કરવામાં આવેલ ચારથી પાંચ મોટરસાયકલ પણ બળીને રાખ થઈ ગઈ હતી.
બોક્સ.. ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં કેમિકલના જ્વલનશીલ ડ્રમ ખાલી કરતી વખતે લાગેલી આગ બાજુમાં આવેલ અરવિંદભાઈ ના સ્ટીલના કબાટ અને ફર્નિચર બનાવતા ગોડાઉનમાં પણ પ્રસરી હતી. તે સાથે બાજુમાં આવેલ ભારતીય વસ્તુ ભંડાર નુ ગોડાઉન હતું. જેમાં પણ પ્લાસ્ટિકનો સ્ટોક કરવામાં આવેલ તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.તે સાથે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સામાન અનલોડ કરવા આવેલ ટેમ્પો પણ આગમા સંપૂર્ણપણે બળી ગયો હતો.
બોક્સ…આગ મા બળી ને મોત ને ભેટેલા ઓની યાદી.બીલીમોરા ના ઈતિહાસમાં આટલી ભયાનક આગ પહેલાં નગરજનો એ કદી જોઈ નથી. જેમાં આગની ચપેટમાં આવી જઈને ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અનુપ મોહનસિંહ નુનિયા સાથે ટ્રકમાંથી સામાન ગોડાઉન સુધી લોડ અનલોડ કરનાર નિતેશ અરવિંદ પટેલ રહે કાકરાખાડી બીલીમોરા અને ચકો ઉર્ફે શૈલેષ ધીરુભાઈ આહીર રહે આહીરવાસ દેવસર ગોડાઉન માંથી બહાર નીકળી નહીં શકવાને કારણે બળીને ભળથું થઈ જતા મોતને ભેટ્યા હતા.
બોક્સ. આગ ની ચપેટ મા આવેલા મુકેશ રામુભાઈ પટેલ રહે ચીકલ વાડી બીલીમોરા, હેમંત ઝાબેંકર રહે ગણદેવી અને ટ્રક નો ચાલક જીતેન્દ્ર શરીરે ગંભીર રીતે દાઝી જતા ત્રણેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જયારે જગદીશ ટપુભાઈ ગઢીયા રહે વેંકટેશ નગર, દેવસર ને બીલીમોરા ની ગુપ્તા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.