આણંદ : આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વિવિધ સોશ્યલ મિડિયા પર વોચ ગોઠવી ઓનલાઇન ચાલતા એમડી ડ્રગ્સને પકડી પાડ્યું છે. જેમાં જુહાપુરાથી ડ્રગ્સ લાવી આણંદ – વિદ્યાનગરના યુવાનોને વેચતા ત્રણ પેડલરને પકડી પુછપરછ હાથ ધરી છે. આણંદ સાયબર ક્રાઈમ દ્વારા સોશ્યલ મિડીયા પર ઓનલાઇન પ્લેટફોર્મ પર ચાલતા વિવિધ નેટવર્ક પર વોચ ગોઠવી હતી. જેમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા ઓનલાઇન નશાકારક ડ્રગ્સ તથા માદક પદાર્થોનું વેચાણ થતું હોવાનું નજરે ચડ્યું હતું. જેનું ઓનલાઇન પેમેન્ટ થતું હોય અને તેમાં દિવસેને દિવસે વધારો થતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.
આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજા દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી હતી અને વિવિધ સોશ્યલ મિડીયા, પેમેન્ટ ગેટ-વે તથા વોલેટ પર સતત સાયબર ક્રાઈમ દ્વારા સર્વેલન્સ શરૂ કરી મુળ સુધી પહોંચવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં હતાં. જેમાં કેટલાક શંકાસ્પદ ડેટા લોગનું ટેકનીકલ એનાલીસીસ કરતા પકડાયેલા શખસો આણંદ તેમજ વિદ્યાનગર, પેટલાદ વગેરે વિસ્તારમાં કોલેજીયન યુવક, યુવતીઓ તથા યુવાનોને ઓનલાઇન પેમેન્ટ લઇ એમડી ડ્રગ્સની ડીલીવરી કરવાનું નેટવર્ક પકડાયું હતું. એનાલીસીસમાં પેટલાદના ત્રણ શખસ ઓળખાયાં હતાં. જેમને એમડી ડ્રગ્સ 8.900 ગ્રામ તથા કુલ મુદ્દામાલ રૂ.1.50 લાખ સાથે પકડી પાડ્યાં હતાં.
આ ત્રણેય શખસ એમડી ડ્રગ્સની બજાર કિંમત એક ગ્રામના રૂ.10 હજાર લેખે ગણાય છે. આ પકડાયેલા શખસોની પુછપરછ કરતાં તે સાજીદ ઉર્ફે અરબડી ડોસુખાન પઠાણ (રહે.પઠાણવાડા મસ્જીદ પાસે, પેટલાદ), મોહીરોદ્દીન ઉર્ફે ડબ્બી મનુમીયાં શેખ (રહે.મલાવ ભાગોળ, સૈયદવાડા, પેટલાદ), અકરમઅલી ફરીદઅલી સૈયદ (રહે.ભઠ્ઠીવાડા, પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. આ શખસો પાસેથી એમડી ડ્રગ્સ પાઉચ 13 નંગ 8.900 ગ્રામ, મોબાઇલ 3, રોકડ તથા બાઇક મળી કુલ રૂ.દોઢ લાખની મત્તા કબજે કરી હતી. હાલ આ કેસમાં સાજુખાન પઠાણ ઉર્ફે ઇસ્માઇલ ઘાંચી (રહે.જુહાપુરા, અમદાવાદ)ની શોધખોળ ચાલી રહી છે.
હાથોહાથ ડીલિવરી અને ઓનલાઇન પેમેન્ટ કરાતું હતું
આણંદ – વિદ્યાનગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા પેટલાદના ત્રણેય શખસની પુછપરછ કરતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ શખસો યુવક – યુવતીઓને સોશ્યલ મિડિયા અલગ અલગ પ્લેટફોર્મ પરથી સંપર્ક કરી ઓનલાઇન પેમેન્ટ મેળવી એમડી ડ્રગ્સની ડીલીવરી કરતા હતા અને એમડી ડ્રગ્સને એક ગ્રામ દીઠ એક પાઉચ (પ્લાસ્ટીકની નાની થેલી)ની કિંમત દસ હજાર લેખે વેચાણ કરવામાં આવતું હતું. આરોપીઓ પોલીસ પકડથી અને કડક કાર્યવાહીથી બચવા ડ્રગ્સને આ પ્રકારના નાના નાના પાઉચોમાં પેક કરી વેચાણ કરતાં હોય છે. આ પ્રકારના વેચાણમાં ઓળખ છતી ન થાય તે માટે સોશ્યલ મિડિયાના ટેલીગ્રામ પર ઓનલાઇન ચેનલ બનાવી પણ ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું.
આણંદ – વિદ્યાનગરના કોલેજીન યુવક – યુવતી મુખ્ય ગ્રાહક
ડ્રગ્સનું સેવન મોટા ભાગે કોલેજીયન યુવાન, યુવતીઓ દ્વારા ઇન્જેકશન તથા કોપર કોઇલ દ્વારા નાકથી સુંઘીને નશો કરવામાં આવતો હોય છે. આ એમડી ડ્રગ્સમાં મેફેડ્રોન, એમ્ફેટેમાઇન, અમ્ફેટેમાઇન ડેરીવેરીવ્સ કે એફેડ્રીન નામના નશાકારક સીન્થેટીક ડ્રગ્સની હાજરી હોઇ શકે છે. જેથી ભરપુર પ્રમાણમાં નશો થાય છે. પેટલાદના શખસો જુહાપુરાથી ખાસ ડ્રગ્સ લાવી તેનું આણંદ – વિદ્યાનગરમાં વેચાણ કરતાં હતાં.