સંતરામપુર : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં મહિ નદી કાંઠે આવેલા ગામોમાં પુરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહિબજાજ ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડવાના પગલે કડાણા ડેમમાં આવક વધી રહી છે અને છલક સપાટી પર પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેના પગલે 11 દરવાજા ખોલવામાં આવ્યાં છે અને મંગળવાર મોડી સાંજ સુધીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કડાણા બંધમાંથી હાલ બે લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાંથી છોડાતા મહિસાગર નદી કિનારાના ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. કડાણા બંધના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે અને મહીબજાજ સાગર બંધમાંથી પાણી છોડાતાં કડાણા બંધમાં પાણીની સપાટીમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. કડાણા બંધનું રુલલેવલ જાળવવા માટે ડેમનું વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કડાણા બંધના મુખ્ય 21 ગેટ પૈકી પાંચ ગેટ 15 ફુટ ખોલીને એક ગેટ 18 ફુટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. જ્યારે ડેમના એડીશનલ સપીલવેના ચાર ગેટ છ ફુટ ખોલીને પાણી છોડાઇ રહ્યું છે.
કડાણા બંધમાં પાણી છોડાતાં હાલ મહિસાગર નદીમાં ઘોડાપુર જોવાં મળી રહ્યું છે. મહિસાગર નદી બે કાંઠે વહેતી જોવાં મળી રહી છે. હાલ કડાણા બંધમાં પાણીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. બંધની પાણીની સપાટી હાલ 415 ફુટ 6 ઈંચ પહોંચી છે. કડાણા બંધમાંથી હાલ વીજ ઉત્પાદન થાય તે માટે કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટને 15,900 કયુસેક પાણી અપાઈ રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં 800 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. જયારે કડાણા ડાબાકાંઠા કેનાલમાં પણ 100 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા બંધમાંથી પાણી છોડાતાં કડાણા પાસેનો જુનો ધોડીયાર પુલ અને હાડોડના જુના પુલ પરથી મહિસાગર નદીના પાણી વહેતા આ જુના બંન્ને પુલો અવરજવર માટે બંધ કરવામાં આવ્યાં છે. હાલ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાનું તંત્ર એલર્ટ થયું છે.
આણંદના ક્યા ક્યા ગામોને અસર ?
આણંદ : ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા. બોરસદ : ગાજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કાંઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ. ઉમરેઠ : પ્રતાપપુરા, ખોરવાડ, આંકલાવ : ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ (ઉ), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાલખ, ભેંટાસીવાંટા, ગંભીરા.
વણાકબોરીમાં વ્હાઇટ સીગ્નલ મુકાયું
કડાણા ડેમમાંથી પાણી છોડાતા મોડી રાત્રે વણાકબોરી જળાશય ખાતે પાણી પહોંચશે. તંત્રના માનવા મુજબ આ સમયે વણાકબોરીની જળ સપાટી 238 ફુટ જેટલી થવાની સંભાવના છે. આથી, ફલ્ડ મેમોરેન્ડમ 2022માં જણાવ્યા મુજબ, મહિ નદી કાંઠાના ગામોને જે તે સિગ્નલની લેવલની મર્યાદા મુજબ સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. હાલ વણાકબોરીમાં 236 ફુટ સપાટીએ વ્હાઇટ સીગ્નલ મુકવામાં આવે છે. 242 ફુટ પર બ્લ્યુ સિગ્નલ અને 246 ફુટ પર રેડ સિગ્નલ હોય છે.
સાબરમતી નદી કાંઠાના ગામો સાવચેત કરાયાં
ઉપરવાસમાં થતા ભારે વરસાદને કારણે સાબરમતી જળાશય યોજના (ધરોઇ ડેમ) જળાશયમાં પાણીની સપાટી તેમજ જથ્થો વધવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પાણીની આવકને ધ્યાનમાં લઇ આગામી સમયમાં ધરોઇ ડેમના દરવાજા ખોલી પાણીનો પ્રવાહ ક્રમશઃ વધવાની શક્યતા રહી છે. આથી, સાબરમતી નદીકાંઠાના અસરગ્રસ્ત થનારા ગામોને સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.
ગળતેશ્વરનાે બ્રીજ બંધ કરાયાે મામલતદાર સ્પાેટ પર પહાેંચ્યા
કડાણા ડેમમાંથી ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોવાથી ગળતેશ્વર તાલુકાના મહિ અને શેઢી નદી કાંઠાના ૧૩ ગામોમાં પાણી ઘુસવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગળતેશ્વર તાલુકાના મહી અને શેઢી કાંઠાના નીચાણવાળા ગામો જેવા કે, વનોડા, મહીઈંટાડી, કુણી, સાંગોલ, સોનીપુર, પાલી, રૂસ્તમપુરા, સરનાલ, વસો, વાડદ, મીઠાના મુવાડા, ડભાલી અને જરગાલ ગામમાં પાણી ઘુસવાની દહેશત છે. તે જોતાં તંત્ર એલર્ટ બન્યું છે અને નદીકાંઠાના આ તમામ ગામોના નીચાણવાળા વિસ્તારમાં વસતાં રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ કરવામાં આવી છે. બીજી બાજુ ગળતેશ્વર મંદિર નજીક પસાર થતી મહિસાગર નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખી ગળતેશ્વરના મામલતદાર સોહિનીબેન પટેલે સ્થળ મુલાકાત લીધી હતી અને અગમચેતીના ભાગરૂપે બ્રિજ પરનો વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો.
મહિસાગર જીલ્લાના નદીકાઠાંના 128 ગામ એલર્ટ કરાયા
કડાણા ડેમમાં પાણીનું લેવલ વધતા તંત્ર દ્વારા પુરથી હોનારત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મહિસાગર જિલ્લાના 128 ગામમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથેસાથે નદિ કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીનું લેવલ ઉચું આવી ગયું છે. જેના કારણે નદી કિનારે આવેલા ગામમાં પુર જેવી હોનારત ન સર્જાય તે માટે તંત્ર અગાઉથી એલર્ટ થઈ ગયું છે. આથી જિલ્લાના 128 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદિમાં અને કિનારે ન જવાની તત્રં દ્વારા અપીલ કરવામાં આવી છે.