National

સચીન-પલસાણા હાઈવે પર આ કારણોસર થઈ રહ્યો છે રોજ ટ્રાફિક જામ: જરૂરી નહીં હોય તો એક મહિનો જવાનું ટાળજો

સુરત: (Surat) પલસાણા સચિન (Palsana Sachin Highway) હાઇવે પર આવતા ગુડ્સ વાહનો સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) લઇ જવા માટે આજથી સંપૂર્ણપણે ગેટ નંબર-2 પર નિર્ભર થયા છે. કારણ કે ચોમાસામાં (Monsoon) જીઆઇડીસીના ગેટ નંબર-1 અને રોડ નં.-6 પર વરસાદી પાણીનો ભરાવો થતાં એક મહિના સુધી અહીં ગટરના કનેક્શન સાથે લાઇન કલવર્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અને 1 નંબરનો ગેટ એક મહિના માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. તેને લીધે સુરત સિટીમાંથી ઉન થઇ સચિન જીઆઇડીસી ચાર રસ્તા તરફ આવતો પલસાણાથી સચિન તરફ જતો અને હજીરાથી (Hazira) જીઆઇડીસી ચોકડીએ આવતા જંક્શન પાસે ત્રણે તરફથી વાહનો ભેગા થવાના શરૂ થયા છે. તેને લીધે ટ્રક તો ઠીક કાર પસાર કરવા માટે પણ 2 થી 3 કલાક રાહ જોવી પડે એવો ભારે ટ્રાફિક સવારે અને સાંજે પીક અવર્સમાં જોવા મળી રહ્યો છે.

  • સચિન જીઆઇડીસીમાં પ્રવેશ માટેનો ગેટ નંબર-1 ડ્રેનેજના કામ માટે બંધ કરાતા હજીરા-મગદલ્લા નેશન હાઇવેના કલરટેક્સ જંક્શન પર વાહનોની લાંબી કતારો લાગી
  • સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને ગભેણી ચોકડી પાસેનું સ્પીડ બ્રેકર એક મહિના માટે દૂર કરવા અને સ્વ ખર્ચે ફરી બનાવી આપવા બાહેધરી પત્ર મોકલ્યો

સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયા અને નિલેશ કોરાટે જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીમાં ઔદ્યોગિક હેતુ માટેના વાહનોની સંપૂર્ણ અવર-જવર હવે ગેટ નંબર-2 પરથી થઇ રહી છે. અહીં કલરટેક્સ જંકશન અને ગભેણી ચોકડી પાસે હાઇવે ઓથોરિટીએ અકસ્માતો અટકાવવા માટે બે સ્થળો પર સ્પીડ બ્રેકર મુકયા છે. આ સ્પીડ બ્રેકર એક મહિના માટે દૂર કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઇ શકે છે. એસોસિએશને હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી જનરલ મેનેજર (ટી) અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખી આ બંને સ્પીડ બ્રેકર એક મહિના માટે દૂર કરવા અને સ્વ ખર્ચે ફરી બનાવી આપવાની એસોસિએશને ખાતરી આપી છે. અને તેના સંદર્ભનો બાહેંધરી પત્ર પણ મોકલી આપ્યો છે. આ સ્પીડ બ્રેકર દૂર થાય તો ટ્રાફિક હળવેથી જીઆઇડીસીના ગેટ નં.-1 પરથી હળવો થઇ ગેટ નં.2ની ચોકડી પાસેથી સરળતાથી પસાર થઇ શકે છે.

આજે પહેલા દિવસે જ વાહનોની 3 કિલોમીટર લાંબી કતાર લાગી

સચિન જીઆઇડીસીના ગેટ નં.1 માલવાહક વાહનો અને સચિન તલંગપોર, કનસાડ, ઉંબેર જતા ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવતા છેક સચિન ગામના ચાર રસ્તાથી ગભેણી ચોકડી સુધી વાહનોની 3 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી. એવી જ રીતે ભેસ્તાનથી ઉન સુધી સિટી એરીયામાં વાહનોની કતારો જોવા મળી હતી. જીઆઇડીસીમાં રોડ નં.1નું કામ એક મહિના સુધી ચાલવાનું ત્યારે તાત્કાલિક સ્પીડ બ્રેકરો દૂર નહીં થાય તો ટ્રાફિકની આ સમસ્યા 30 દિવસ માટે નિયમિત બની રહેશે. આ મામલામા સચિન નોટીફાઇડ એરીયા ઓથોરિટી પણ આવતી કાલે હાઇવે ઓથોરિટી સાથે વાતચીત કરશે.

Most Popular

To Top