આણંદ: આણંદ નજીકના વાસદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે બનેલ એક ઘટનામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાસદથી બોરસદ તરફ આવતા વાહનમાંથી જીવતા ગૌ-વંશને રોડ પર ફેંકવામાં આવ્યા હતા. અત્યંત અરેરાટી ભરી બનેલી ઘટનાએ સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓ અને સામાન્ય નાગરિકો સુધ્ધાની સંવેદનાને હચમચાવી મૂકી છે. જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ મૃત ગૌ વંશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
વાસદ તારાપુર બગોદરા સીક્સલેન રોડ ઉપર મોડી રાત્રે બોરસદ સીમમાંથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં ખીચોખીચ ગાયો ભરેલી હતી. કોઈ કારણસર ચાલુ ટ્રકે ગૌવંશને છુટ્ટા ફેંકવામાં આવતા 3 ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ગૌ વંશને પણ ભારે ઈજાઓ પહોંચી હતી. આ બનાવનીજાણ થતા ગૌરક્ષકો દોડી આવ્યા હતા અને ગાયો સાથે આવુ કૃત્ય કરનાર સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ ગેરકાયદે ગાયોને કતલખાને લઈ જતા ગૌ તસ્કરો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા કરી હતી.બોરસદમાં મોડી રાતે આ બનાવ બનતા ભારે ચકચાર મચી ગઈ છે.
વડોદરા તરફથી ગાયો ભરેલી એક ટ્રક વાસદ થઈ સૌરાષ્ટ્ર જવા માટે મોડી રાત્રે પસાર થઈ રહી હોવાની માહિતી હતી. આ ટ્રકમાં સાત થી દસ જેટલા ગૌ વંશથી ખીચોખીચ ભરી હતી. ગૌ તસ્કર ટ્રક ચાલક અને તેમાં સવાર માણસો કોઈ ક કારણોસર ગભરાઈ હોવાના અહેવાલ મળ્યા હતા.જેને લઈ બોરસદ સીમમાંથી ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ ટ્રકમાંથી ગૌ વંશને નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. આમ ચાલુ ટ્રકે ગૌ વંશને ફેંકતા ત્રણ ગાયો અન્ય વાહનોની અડફેટે આવતા મોત નીપજ્યા હતા. જ્યારે ચારેક ગાયોને ઈજાઓ થઈ હતી પરંતુ ગભરાયેલી હોવાથી આસપાસના ખેતરોમાં ભાગી ગઈ હતી.
આ બનાવની જાણ થતા આણંદ જીલ્લા ગૌરક્ષક સમિતીના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલી ગાયોની શોધખોળ આરંભી હતી. તેમજ આ બનાવ કેવી રીતે બન્યો તે અંગે પુછપરછ કરતા ઉપરોક્ત હકીકત આવતા રોષ વ્યક્ત કર્યો હતો અને આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જાેકે તારાપુર સીકસલેન રોડ ઉપરથી રાત્રીના સમયે મોટા પ્રમાણમાં ટ્રકોમાં ગેરકાયદે મુંગા પશુઓને હેરાફેરી થતી હોય છે ત્યારે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદે પશુની હેરાફેરી અટકાવવા માટે રાત્રીના સમયે પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ મુદ્દે ઉહાપોહ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ મૃત પશુઓના પોસ્ટમોર્ટમ કરાવી ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી આરંભી છે.