પારડી: (Pardi) પારડી તાલુકાના નેવરી ગામે મંગળવારે બસ સ્ટેન્ડ (Bus Stand) પાસે વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટેમ્પો, રિક્ષા અને પીકઅપ ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 મહિલા અને એક યુવકના મોત નિપજ્યા હતા.
- પીકઅપ, રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલકની હાલત નાજુક
- રિક્ષાને ટક્કર મારી ભાગવા જતા પારડી GIDC પાસે પીકઅપ ચાલક ઝડપાયો
આ ઘટનામાં ટેમ્પો નાનાપોંઢા તરફ જઈ રહ્યો હતો અને રિક્ષા પારડી તરફ આવી રહી હતી. તે દરમિયાન પીકઅપ ટેમ્પો ચાલકે રિક્ષાને ટક્કર મારતા સામેથી આવતા ટેમ્પોમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર નેવરી ગામની સુરેખા ઉત્તમ પટેલ (ઉવ.42), રાજુબેન અરવિંદ પટેલ (ઉવ.420 અને કપરાડા બારપુડાનો યુવાન લલિત સંજય બીડગર (ઉવ.18) સહિત 3 ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી પીકઅપ ટેમ્પો ચાલક ભાગવા જતા પારડી જીઆઇડીસી પાસે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવી પોલીસને જાણ કરતા પીઆઇ જી.આર.ગઢવીની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. મૃતકોની લાશને પીએમ અર્થે પારડી સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી. પીકઅપ ટેમ્પો ચાલકને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રિક્ષા ચાલક પ્રિતેશ મુલજી રાઠોડ (ઉવ. 40 રહે. પંચલાઇ તા.પારડી)ને ગંભીર ઇજા પહોંચતા મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. ક્રેન વડે વાહનોને ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો કરવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.