નવી દિલ્હી: અમેરિકામાં રોડ એક્સિડેન્ટમાં 3 ગુજરાતી મહિલાના મોત થયા છે. એક મહિલા ગંભીર રીતે ઈજા પામી છે. ત્રણેય મૃતક મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની વતની હોવાની વિગતો જાણવા મળી છે. કારની સ્પીડ વધુ હોવાના લીધે ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.
અમરિકાના સાઉથ કેરોલીનના ગ્રીન વિલેમાં ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આણંદ જિલ્લાની વતની 3 મહિલાઓ રેખા પટેલ, સંગીતા પટેલ અને મનીષા પટેલના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા ગામની જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મહિલાઓની કાર એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલીના તરફ જઈ રહી હતી. કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત થયો હતો. કાર ઓવરપાસને અથડાઈને ચાર લેન કૂદી ગઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો અનુસાર અકસ્માત ખૂબ જ ભયાનક હતો. કાર 20 ફૂટ ઊંચી હવામાં ઉછળી બ્રિજની બીજી તરફ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારની સ્પીડ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ગ્રીન વિલે કાઉન્ટી કોરોનર ઓફિસના અહેવાલ અનુસાર એસયુવી-આઈ-85 ઉત્તર તરફ જઈ રહી હતી. ત્યારે કારના ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર પુલની વિપરિત દિશામાં ઝાડ સાથે અથડાઈ હતી.
સાઉથ કેરોલિના હાઇવે પેટ્રોલ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ અને ગ્રીનવિલે કાઉન્ટી ઇએમએસ સહિત ઇમરજન્સી રિસ્પોન્સ ક્રૂ ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતમાં એક મહિલા બચી ગઈ હતી. તે મહિલાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વાહનના ડિટેક્શન સિસ્ટમે થોડા પરિવારના સભ્યોને દુર્ઘટના અંગે સાવધાન કર્યા હતા. જેમણે ત્યારબાદ દક્ષિણ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.