સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાંથી સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપી પાડી છે. ત્રણ અલગ અલગ ઠેકાણે દરોડા પાડીને એસઓજીએ 10,000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો કબ્જે લધો છે. જેની કુલ કિંમત 1 કરોડથી પણ વધુ છે. આ નકલી ઘીની ફેક્ટરીમાંથી એસઓજીએ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. નકલી ઘીના ઉત્પાદન માટે તેમાં વેજિટેબલ ઘી, સોયાબીનનું તેલ, પામતેલ અને હળદર અથવા પીળો રંગ ઉમેરવામાં આવતો હતો. ઘીમાં તેનું મૂળ કોઈ તત્વ નહોતું.
પોલીસે નકલી ઘી બનાવતા ચાર આરોપીઓ જયેશ મહેસુરીયા (ઉં.વ.38, સૂર્યાજંલિ રેસી., અમરોલી), અંકિત પંચીવાલા (ઉં.વ. 36, રહે. વ્હાઈટ પેલેસ, અમરોલી), સુમિતકુમાર મૈસુરીયા (ઉં.વ. 35, સન રેસિડેન્સી, અમરોલી) અને દિનેશ ગેહલોત (ઉં.વ. 32, ઈવા એમ્બ્રો પાર્ક, અમરોલી)ની ધરપકડ કરી છે. તમામ આરોપીઓનું મૂળ વતન ડીસા છે.
એસઓજીએ આરોપીઓ પાસેથી ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઘીનો 9919 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે 67,00,550 છે. તે ઉપરાંત નકલી ઘી બનાવવા વપરાતા મશીન અને કાચો માલ મળી કુલ 53,55,950નો મુદ્દામાલ કબ્જે લીધો છે. આમ કુલ 1,20,56,500નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.