શહેરમાં કમકમાટીભરી ઘટના બની છે. ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી ગયા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સ્થાનિકો રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ત્રણેય મૃતકો સિનીયર સિટિઝન
ભાઠા ગામમાં ગૂંગળામણના લીધે એક જ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા છે. ત્રણેય મૃતકો 60થી વધુ ઉંમરના હતા. રાત્રે ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ત્રણેયના મૃત્યુ ગૂંગળામણના લીધે થયા કે બીજું કોઈ કારણ છે તે માટે એફએસએલની મદદ લેવાઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે.
મૃતકોના નામઃ બાલુભાઈ પટેલ (ઉં.વ. 77), સીતાબેન પટેલ (ઉં.વ.56), વેદાબેન પટેલ (ઉં.વ.60).