Dakshin Gujarat

વલસાડ જિલ્લાના 3 ડોક્ટરો કોરોનામાં સપડાયા, આરોગ્ય તંત્ર ફફડ્યું

વલસાડ જિલ્લામાં ફરી એકવાર કોવિડ-19ના કેસોની સામે આવતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, વલસાડના રેસિડેનશિયલ હોસ્ટેલમાં રહેતા ત્રણ રેસીડેન્ટ ડોક્ટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ દર્દી પુરુષ ડોક્ટર (ઉં.વ.29) છે, જેમની તાજેતરમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે ગયા હતા. મહેસાણામાં તેમને ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. અત્યારે એવું અનુમાન છે કે, અન્ય બે મહિલા ડોક્ટરો (ઉ.વ. 32 અને ઉ.વ. 26 ) આ પહેલા દર્દીથી સંક્રમિત થયા છે.

આ કેસોની પૃષ્ઠભૂમિ સામે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણે દર્દીઓને રેસિડેનશિયલ ક્વાર્ટર્સમાં આઇસોલેશનમાં રાખી જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

વિશેષ નોંધનીય છે કે, આ પહેલા વાપી વિસ્તારમાં એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હાલમાં વલસાડ જિલ્લામાં કુલ ચાર સક્રિય કેસ નોંધાયા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કોરોના સંક્રમણ ન વધે તે માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને જનતાને પણ વિનંતીY કરવામાં આવી છે કે તેઓ સ્વસ્થ્ય રહેવા માટે સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરે.

અમદાવાદમાં તાજું જન્મેલું બાળક કોરોના પોઝિટિવ, માતાથી ચેપ લાગ્યો
અમદાવાદમાં તાજાં જન્મેલા બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને NICUમાં તબીબી નિગરાની હેઠળ રાખવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે બાળકની માતા કોરોનામાં સપડાઈ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી. બાળક અત્યારે બે દિવસનું છે. બાળકનું વજન ઓછું હોવાથી તેને NICUમાં રાખવામાં આવ્યું છે.

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ બે કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યાં છે. એક 23 વર્ષીય મહિલા મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહી છે. આ ઉપરાંત અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી છે, તેમાં એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. તે બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.

રાજકોટમાં અચાનક કેસમાં ઉછાળો
દરમિયાન રાજકોટમાં અચાનક જ કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક હદે ઉછાળો નોંધાોય છે. રાજકોટમાં એક જ દિવસમાં વધુ 8 કેસ નોંધાયા છે. 2 મહિલા અને 6 પુરુષ સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારસુધીના કુલ કેસની સંખ્યા 24 પર પહોંચી છે. છેલ્લા 3 દિવસમાં જ 19 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

સુરતમાં ગુરુવારે 4 કેસ નોંધાયા
આ સિવાય સુરત શહેરમાં ધીમે ધીમે કેસની સંખ્યા વધી રહી છે. અહીં હવે રોજ એકાદ-બે કેસ નોંધાઈ રહ્યાં છે. ગઈકાલે કોરોનાના વધુ ચાર કેસ સુરતમાં નોંધાયા છે. જેમાં 44થી 75 વર્ષના લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ ચાર પૈકી બેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી છે.

Most Popular

To Top