Vadodara

નકલી ડોલર પધરાવી 30 લાખની ઠગાઈ કરનાર 4 ભેજાબાજના 3 દિ’ના રિમાન્ડ

વડોદરા : અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક નકલી ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી વેપારીની નજર ચુકવી અસલી ડોલર બદલી નાંખવાની તરકીબ આચરી વેપારીને 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી યોજનાબદ્ધ જાળમાં ફસાવીને વેપારી પાસેથી રૃ.૩૦ લાખ મેળવી લઇ છેતરપિંડી કરતા પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર સાગરીતોને છટકું ગોઠવી સુરતની હોટલમાંથી ઝડપી પાડયા હતા. પોલીસે તમામને અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવવાની સાથે આ ષડયંત્ર આંતરરાજય હોવાની શંકા વ્યકત કરી કાવતરું કયાં ઘડાયું હતું અને મુદ્દામાલ તથા વાહનો જપ્ત કરવાની દિશામાં તપાસ આદરી છે.

અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશન નજીક સૌભાગ્ય નગરમાં રહેતા અને પાણીનો વેપાર કરતાં મૌલીક નરેન્દ્ર પ્રજાપતિએ પોલીસને જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભરત જગુભાઇ ગીડા અને મહેશ વાળાએ તેમનો સંપર્ક કરી તા.૨૮મી ઓગષ્ટે હોટલ કમ્ફર્ટ ઇન ડોલીન ખાતે બોલાવ્યા હતા જયાં હાજર સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેકટર એ.કે.મલહોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલહોત્રાના પીએ રાજુ તરીકે ઓળખ આપી હતી.

ઓળખ આપ્યાબાદ કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને ડોલમાં કેમિકલથી સાફ કરીને અસલ ડોલર બનાવી શકાય છે તેમ સસ્તા ભાવે આપવાની વાત કરી રૃ.55ના ભાવે રૃ.1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી. તેમજ આ ડોલર રૃ.૭૧માં તુર્તજ વેચાઇ જશે તેમ વિશ્વાસ કેળવી ગત તા.૭મી ઓક્ટોબરે ફરીથી મીટિંગ કરી રૃ.૭ લાખના બદલામાં રૂ. 7 લાખના ઓરીજનલ ડોલર વેપારીને આપતા તેમણે ડોલર વટાવ્યા હતા. ત્યારબાદ ભરત ગીડાએ રૃ.૩૦ લાખ તમે કાઢો અને બીજા ૩૦ લાખ હું કાઢીશ તેમ કહી સમાની રોયલ કિંગ હોટલમાં મીટિંગ કરી હતી. જ્યાં વેપારી પાસેથી રૂ. 30 લાખ પડાવી લઇ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના 24 બંડલ પધરાવી દીધા હતા. વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે ચાર ઠગોને ઝડપી પાડયા હતા.

પોલીસ તમામ આરોપીઓને વધુ તપાસ અર્થે આજરોજ ભરત જગુભાઇ ગીડા (રહે, સાવરકુંડલા), મહેશ ઓધડભાઇ વાળા (રહે, સાવરકુંડલા) ઇમરાન દીનમહમંદ ભુરાની (રહે, સાવરકુંડલા) સાહીદ હનીફ નાવડેકર (રહે, પનવેલ, મુંબઇ)ને ઝડપી લઇ અદાલતમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આ આંતરરાજય ષડયંત્ર છે કે કેમ, અન્ય કોણ સામેલ છે, કઇ હોટલમાં તમામે ભેગા મળી કાવતરું રચ્યું હતું, કયાંથી ડોલર લાવ્યા હતા અને અન્ય કોને કોને આ પ્રકારે ઠગ્યા હતા તથા ઉપયોગમાં લેવાયેલ વાહનો અને 30 લાખ રોકડા જપ્ત કરવાની દિશામાં તપાસ શરુ કરી હતી. કોને કેટલી રકમ મળી હતી તેની પણ પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.

Most Popular

To Top