SURAT

સુરતમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં માટી ધસી પડતાં ત્રણ જમીન નીચે દટાયા, એકનું મોત

સુરત: શહેરના સરથાણા નજીક ગઢપુરમાં ચાલતી એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં માટી ધસી પડતાં ત્રણ મજૂરો જમીન નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.

  • સરથાણા નજીકના ગઢપુરની ઘટના, હાઈરાઈઝ એપાર્ટમેન્ટની સાઈટ પર માટી ધસી પડી
  • માટી ધસી પડવાના લીધે ત્રણ શ્રમિકો જમીન નીચે દટાયા

ચોમાસું નજીક છે ત્યારે બિલ્ડરોએ બાંધકામ કામગીરી ઝડપી બનાવી છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં બિલ્ડરો ખાડો ખોદવાની કામગીરી પૂરી કરી લેવા માંગતા હોય હાલમાં બાંધકામ સાઈટો પર ફૂટીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આવી જ કામગીરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગઢપુર નજીકની બાંધકામ સાઈટ પર ચાલી રહી હતી.

ગઢપુર નજીક બિલ્ડર આશિષ પટેલના હાઈરાઈઝ એપાર્ટમેન્ટનું બાંધકામ શરૂ કર્યું છે. બિલ્ડર દ્વારા આશિષ પટોળિયાને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે જેસીબી દ્વારા માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરે અંડર ગ્રાઉન્ડની દિવાલ બનાવતી વખતે માટી ધસી પડી હતી.

માટી ધસી પડતાં ત્રણ મજૂરો માટી નીચે દટાઈ ગયા હતા. જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. બીજા મજૂરો તથા આસપાસના લોકો મજૂરોની મદદે દોડી ગયા હતા. ત્રણ પૈકી બે મજૂરો લાલા છપરી અને અંશુલભાઈને બહાર કાઢી 108માં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 1 મજૂર મોહમ્મદ જાકીરભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Most Popular

To Top