વાપી : વાપી (Vapi) ટાઉનમાં ફોર્ચ્યુન દર્શન એપાર્ટમેન્ટ નીચે આઇસ્ક્રીમની દુકાનમાં વાપીના એડવોકેટ (Advocate) તથા તેના મિત્રને કારમાં આવેલા ત્રણ શખ્સોએ માર મારતા મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો છે. વાપી ટાઉનમાં ભુપેન્દ્ર સીંગ રાજપુતના પિતાજીની આઇસ્ક્રીમની દુકાને એડવોકેટ ભુપેન્દ્રસીંગ મોહનસીંગ રાજપુત તથા તેમના મિત્ર ભરત ગુપ્તાને બાઇક પાર્ક કરવા માટે ગાળો આપ્યા બાદ ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપી હતી. આ મામલામાં પોલીસે ત્રણ આરોપી આકાશ પરમાર, સુનિલ યાદવ, હરેન્દ્ર યાદવની અટક કરી હતી.
વાપી ટાઉનમાં ફોર્ચ્યુન દર્શન એપાર્ટમેન્ટની નીચે શોપ નં. ૬માં બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ સેન્ટર નામની દુકાન એડવોકેટ ભુપેન્દ્ર સીંગ રાજપુતના પિતા તથા તેના ભાઇ દેવેન્દ્ર ચલાવે છે. ક્યારેક આઇસ્ક્રીમની દુકાન પર એડવોકેટ રાજપુત પણ બેસતા હતા. બનાવ બન્યો ત્યારે એડવોકેટ રાજપુત તથા તેના મિત્ર ભરતભાઇ ગુપ્તા દુકાને બેઠા હતા. ત્યારે એક ગ્રાહકે તેની કાર દુકાનની સામે પાર્ક કરી ત્યાં આવ્યો હતો. તે સમયે આકાશ પરમાર તેના બે મિત્રો સાથે નવી બેલેનો કારમાં આ દુકાનની સામેના રસ્તા પર આવ્યો હતો. રસ્તા ઉપર કોઈએ બાઇક મૂક્યું હોવાથી આકાશ પરમારે ગાડીનો હોર્ન મારવા લાગ્યો હતો.
એડવોકેટ રાજપુતે દુકાનની બહાર આવીને જોયું તો અહીં કાર પાર્ક કરી હતી તે નડતરરૂપ ન હતી. પરંતુ કોઈની બાઇક નડતરરૂપ હતી. જેથી આકાશ પરમાર કારમાંથી ઉતરીને ગાળાગાળી કરવા લાગ્યો ત્યારે ભરતભાઇ અને શુભમે કહ્યું કે ગાળો શું કામ આપે છે. જો તને ગાડી નડતી હોય તો અમે હટાવી લઇએ. તેવું કહેતા આકાશ અને તેના બે મિત્રોએ ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. આ ત્રણેના મોઢામાંથી પીધેલાની વાસ આવતી હતી. આ ત્રણે જણાએ ભરતભાઇ તથા એડવોકેટ રાજપુતને માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી આકાશ પરમારે એવું પણ જણાવ્યું હતું કે, ‘મારી વાઈફ પોલીસમાં છે હું બોલાવું અને તમને બતાવું’. આ બનાવમાં પોલીસે એડવોકેટ રાજપુતની ફરિયાદને આધારે આકાશ પરમાર અને તેના દમણના બે મિત્રો સામે ગુનો નોંધી ત્રણેની અટક કરી છે. આ બનાવમાં બંનેની દુકાનો બાજુબાજુમાં હોવાથી પાર્કીંગને લઇને ઝઘડો થયો હોવાની વાત પણ વાપી પંથકમાં ચાલી રહી છે.
ફરિયાદી એડવોકેટને પોલીસે કયા કારણસર લોકઅપમાં મૂક્યા ?
વાપીમાં એડવોકેટ રાજપુત ઉપર હુમલાના બનાવમાં વાપી ટાઉન પોલીસે ફરિયાદી એડવોકેટ ભુપેન્દ્રસીંગ રાજપુતને ૧૫૧ હેઠળ અટકાયતમાં લીધા હતા. જેની સામે વાપી વકીલ મંડળે વિરોધ દર્શાવ્યો હતો. વાપી વકીલ મંડળના વકીલોએ વાપી ટાઉનમાં જઇ રજૂઆત કરી હતી કે ફરિયાદીને કયા કારણસર તમે લોકઅપ મૂક્યા છે ? હાલમાં એડવોકેટ રાજપુતને હરિયા હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર માટે લઇ જવાયા છે. તેના પેટમાં માર લાગ્યો હોવાનું જાણવા મળે છે.
આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ
વાપીની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવાન એડવોકેટ રાજપુત ઉપર થયેલો હુમલો તેમજ મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીના ફૂટેજ ઉપરથી આખી ઘટનાનો તાગ મળી શકે તેમ છે. પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજ મેળવીને તેની તપાસ હાથ ધરી છે.