વડોદરા : વડોદરા શહેરમાં મિલકત સંબંધી કેસમાં કેસ જીતાડી દઈશ તેવું કહીને સુપ્રીમ કોર્ટના નામે ખોટા મેલ કરી 3.73 કરોડ રૂપિયા પડાવી છેતરપીંડી કરનાર અમદાવાદના ભરત દિલિપભાઇ પટેલ નામના શખ્સને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો હતો. આરોપી વધુ રૂપિયા લેવા માટે વડોદરા-મુંબઇ હાઇવે પર આવવાનો હોઈ તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે વૉચ ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
વડોદરા સેશન્સ કોર્ટ, વડોદરા કલેકટર, ગુજરાત હાઇકોર્ટ, મદ્રાસ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નામે મેલ કરી વિવિધ કારણો દર્શાવી અમદાવાદના ઠગ વકીલે વડોદરા શહેરના એકાઉન્ટન્ટ ઇસમ પાસેથી ઓનલાઈન રૂપિયા 3.73 કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હતી. બોગસ વકીલ દ્વારા અહીં જ ન અટકતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચના નામે પુત્રને બે વર્ષની સજા થઇ હોવાનું જણાવી ધમકી આપતો હતો. આખરે એકાઉન્ટન્ટને બોગસ વકીલ સામે શંકા જતા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, મૂળ ખેડાના રહેવાસી અને હાલમાં આજવા રોડ ઉપર આવેલી સુરભી પાર્ક સોસાયટીમાં રહેતા નટવરભારથી ગોસાઈ એકાઉન્ટન્ટની સાથે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે.
તેમના મિલકત ,ઘરેલુ વિવાદ મામલે અલગ અલગ કેસો ચાલી રહ્યા છે. તેમનો પરિચય ભરત દિલીપભાઈ પટેલ (રહે. ઉસ્માનપુરા, અમદાવાદ ) સાથે થયો હતો. પરિચય થયા બાદ ભરતે જણાવ્યું હતું કે, હું એડવોકેટ શક્તિસિંહ ઝાલા માટે કામ કરું છું. તમારો કેસ તેમને સોંપી કામ પતાવી આપીશ. અને કેસ ફી નહીં લેવા માટે જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકાઉન્ટન્ટ નટવર ભારથીએ વકીલ સાથે કામ કરતો હોવાનું જણાવનાર ભેજાબાજ ભરત પટેલે વિવિધ કારણો દર્શાવી પૈસા માંગતા તેઓને ટુકડે ટુકડે 20 લાખ રૂપિયા ભરતને આપ્યા હતા.
ત્યારબાદ ભરત પટેલે એડવોકેટ આર. એન. ઝાલા ઉર્ફે શક્તિસિંહ ઝાલા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હાઇકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવ્યું હતું. તે સાથે જે ફી હશે તે અમારા બેંક ખાતામાં નાખી આપજો તેમ જણાવ્યું હતું અને વધુમાં તમારા કેસની ઓનલાઈન વિગત મળી રહે તે માટે ઈમેલ આઇડી રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેવું જણાવ્યું હતું. ભેજાબાજે પૂજારીના પુત્રને મેઇલ કરી જણાવ્યું તમે કેસ જીતી ગયા છો તેવું બોગસ મેસેજ કર્યો હતો. જયારે એકાઉન્ટન્ટે કેસ જીતવા માટે મિત્રો, શુભેચ્છકો પાસેથી નાણાં પડાવી લીધા હતા.