મહારાષ્ટના પરિવહન મંત્રી અનિલ પરબે કહ્યું કે, સોમવારે 3 રૂપિયાના વધારાને મંજૂરી મળ્યા બાદ 1 માર્ચથી મુંબઇમાં ઑટો રિક્ષાઓ અને ટેક્સીઓનું લઘુતમ ભાડું અનુક્રમે રૂ.21 અને રૂ.25 રહેશે.
આરટીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેક્સીઓ માટે 1.5 કિલોમીટરના અંતરનું લઘુતમ ભાડું રૂ.22થી વધીને રૂ.25 થશે. જ્યારે થ્રી વ્હિલર્સ માટે રૂ.18થી વધીને રૂ.21 કરવામાં આવશે.
મુસાફરોએ ટેક્સીઓ માટે પ્રતિ કિલોમીટર રૂ.16.93 અને ઑટોરિક્ષા માટે 14.20 રૂપિયા ચૂકવવા પડશે.મુંબઇના મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએમઆરટીએ)ના સભ્યએ જણાવ્યું હતું કે, ભાડા વધારાની ગણતરી ચાર સભ્યોના પેનલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં, ટેક્સીઓ માટે પ્રતિ કિમીએ રૂ.2.09 અને ઑટો રિક્ષા માટે રૂ.2.01નો વધારો કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યુ હતું કે, સોમવારે પરિવહન સચિવની અધ્યક્ષતામાં એમએમઆરટીએની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.પરબે જણાવ્યું હતું કે, નવા ભાડાને પ્રતિબિંબિત કરવા માટે ડ્રાઇવરો, માલિકોએ 1 માર્ચથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક મીટરનું પુન:પરીક્ષણ કરવું પડશે.
મંત્રીએ કહ્યું કે, મહાનગરમાં છ વર્ષના સમય બાદ ઑટોરિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. આ અગાઉ છેલ્લો ભાવવધારો 1 જૂન 2015ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.