સુરત: હરીયાણા (Haryana) રાજ્યમાંથી ઇમ્પોર્ટેડ સ્કોચ-વ્હિસ્કીનો જથ્થો સુરત (Surat) ઘુસાડવામાં આવતા કાર (Car) ચાલકને એસઓજીએ (SOG) ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 3.04 લાખના દારૂ (Alcohol) સહિત 8.09 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. દારૂની ખેપ મારવા માટે ડ્રાઈવરને 7 હજાર રૂપિયા મળતા હતા. કતારગામના શેઠ અને હરિયાણાથી દારૂ મોકલનાર વોન્ડેડ જાહેર કરાયા હતા.
- કતારગામના બુટલેગરે દારૂ ચંડીગઢથી મંગાવ્યો હતો, દારૂ લાવનાર કાર ચાલકની ધરપકડ
- દારૂ મંગાવનાર કતારગામના બુટલેગર અને દારૂ મોકલનાર ચંડીગઢના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા
એસઓજીની ટીમને હરીયાણા રાજ્યના ચંડીગઢ ખાતેથી ઇમ્પોર્ટેડ ઇગ્લીશ દારૂ સુરતમાં લવાઈ રહ્યાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આજરોજ સવારે સરથાણા નવજીવન હોટલની સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ફોર વ્હીલર હોન્ડા WR-V ગાડી (GJ-23-CD-0026) ત્યાંથી પસાર થતા રોકવામાં આવી હતી. કારમાં બેસેલા વ્યક્તિનું નામ પુછતા હેમંતભાઈ જનકસિંહ ઇનામદાર (ઉ.વ.૪૧, રહે.ઘર નં.૩૧ ન્યુ ધરતી સોસાયટી, કતારગામ તથા મુળ આંણદ) નો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી કારમાં ઇમ્પોર્ટેન્ટ દારૂની 186 બોટલ મળી કુલ 3.04 લાખનો દારૂ અને કાર મળી કુલ 8.09 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
ડ્રાઈવરની પુછપરછ કરતા તેને આ દારૂ કતારગામ ખાતે રહેતા તેના શેઠે હરીયાણા ચંડીગઢ ખાતેથી મંગાવતા હોવાનું કબૂલાત કરી હતી. અને તેને દારૂ લેવા માટે મોકલતા અને એક ટ્રીપ મારવા બદલ તેને શેઠ 7 હજાર આપતા હતા. પોલીસે કતારગામ ખાતે રહેતા શેઠ અને હરીયાણા ચંડીગઢ ખાતેથી ઇગ્લીશ દારૂ ભરી આપનારને વોન્ટેડ જાહેર તપાસ હાથ ધરી છે.
ઉમરગામમાંથી વલસાડ એલસીબીએ દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી
ઉમરગામ : વલસાડ એલસીબી પોલીસે ઉમરગામના ભાઠી કરમબેલીમાંથી પસાર થતી એક ઇક્કો કારમાંથી રૂપિયા ૧.૨૯ લાખનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો અને ડ્રાઈવરની અટક કરી હતી જયારે ક્લિનર ભાગી ગયો હતો. વલસાડ એલસીબીએ ગુરુવારે મળેલી બાતમીના આધારે ભાઠી કરમબેલી કાચપાડા જવાના ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી ઇકો કારને ઝડપી પાડી હતી. આ કારનો ચાલક સંજય રૂપજી ડોલારે ( રહે. રહે ગરીગામ નારાયણ થવાના ચોકીની બાજુમાં તલાસરી) ઝડપાઇ ગયો હતો જ્યારે ક્લિનર વિલાસ સુખાડ ડોલારે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા ૧.૨૯ લાખનો દારૂનો જથ્થો તથા બે લાખની કિંમતની કાર કબજે લીધી હતી.