SURAT

મંદીમાં સુરતની ડાયમંડ કંપનીએ 2800 કરોડનો વેપાર કર્યો, તપાસ કરતાં મોટું ભોપાળું બહાર આવ્યું!

સુરત: સુરતમાં શેલ કંપની ઊભી કરી વડોદરા, મુંબઈ અને પુણેથી ડાયમંડ ઓવર વેલ્યુએશન થકી 2800 કરોડનું હવાલા આચરનાર પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીનાં સંચાલકોને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)સુરતની ટીમે વરુણીમાં લીધા છે. હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદી હોવા છતાં સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતી શેલ કંપની લાંબા સમયથી કરોડોનાં ડાયમંડ અનેક ગણા ઓવરવેલ્યુએશનથી એકસપોર્ટ કરતી હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુરતને શંકા ગઈ હતી.

  • સુરતની હીરાની કંપનીનું 2800 કરોડનું મની લોન્ડરીંગ કૌભાંડ પકડાયું,
  • સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતી શેલ કંપની પર EDનાં દરોડા
  • પાપલાજ ફોરેન ટ્રેડનું 2,800 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુરતની ટીમે સુરત, વડોદરા, મુંબઈ અને પુણેમાં દરોડા પાડ્યા
  • પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીનાં માલિકો સોમાભાઈ સુંદરભાઈ મીના અને ઓજસકુમાર મોહનલાલ નાઈકને વરૂણીમાં લેવાયા

શંકાને આધારે તપાસ કરતા આ કંપનીના સંચાલકોને સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો પણ નહીં ઓળખતા હોવાનું બહાર આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED), સુરતે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની જોગવાઈઓ હેઠળ મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપી, તેના ભાગીદારો સોમાભાઈ સુંદરભાઈ મીના, ઓજસકુમાર મોહનલાલ નાઈક અને તેના સહયોગીઓ પર સર્ચ ઓપરેશન કર્યું છે. સુરત, વડોદરા, મુંબઈ અને પુણેમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા અને જપ્ત કરવામાં આવ્યા છે.

સુરત ,વડોદરા, મુંબઈ પુણેમાં 2800 કરોડ ભેગા કરી હોંગકોંગની 8 કંપનીઓમાં ટ્રાન્સફર કરાયા : ED
EDને માહિતી મળી હતી કે, મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ LLPએ હીરાની આયાત અને નિકાસના ઓવરવેલ્યુએશનને કારણે મોટા પાયે શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કર્યા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપી, હીરાની આયાતનું ઓવરવેલ્યુએશન કર્યું હતું અને જુલાઈ, 2023 અને માર્ચ, 2024 વચ્ચે 2800 કરોડ સુરત, વડોદરા, મુંબઈ, પુણેની ઓફિસોમાં ભેગા કર્યા હતા. અને ભેગી કરેલી આ રકમ હોંગકોંગની 8 કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

2800 કરોડ હોંગકોંગની જે 8 કંપનીઓને મોકલાયા તે પણ બોગસ
EDની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, 2800 કરોડ હોંગકોંગની જે 8 કંપનીઓને મોકલવામાં આવ્યા એ કંપનીઓ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ પેઢીઓ હીરાનાં ખરીદ વેચાણની એન્ટ્રી મોકલી પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીનાં મળતિયાઓનાં બેંક ખાતાઓમાં 2800 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. હવાલો પાડનાર મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપી શેલ એન્ટિટી છે.

સુરત સહિત 4 શહેરોમાં આ સંસ્થાઓનું અસ્તિત્વ જ નથી
પાપલજ ફોરેન ટ્રેડ LLP એ હીરાની આયાતનું મૂલ્ય વધારે કર્યું હતું, અને નજીવી કિંમતના હીરા હોંગકોંગથી મંગાવી જુલાઈ, 2023 અને માર્ચ 2024 વચ્ચે રૂપિયા 2800 કરોડ હોંગકોંગ મોકલ્યા હતા.

સુરત, દિલ્હી, મુંબઈ, પુણે વગેરેમાં સ્થિત વિવિધ બિન-અસ્તિત્વ ધરાવતી સંસ્થાઓ, કંપનીઓ પાસેથી રૂ. 2800 કરોડની રકમ ભેગી કરવામાં આવી હતી અને હોંગકોંગ સ્થિત આઠ સંસ્થાઓને મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીને અંદાજે રૂ. 2800 કરોડની રકમ ટ્રાન્સફર કરતી સંસ્થાઓ, કંપની બોગસ શેલ કંપનીઓ હતી જેના માલિકો પણ ભૂતિયા નીકળ્યા છે. ઈડીને શંકા છે ચેનલે સંસ્થાઓને મળતાં ડોનેશન અને રિયલ એસ્ટેટનાં બ્લેક મનીને વ્હાઈટ કરવા આ રકમ હીરાની ખરીદી અને વેચાણની આડમાં હોંગકોંગ મોકલી હવાલો પાડવામાં આવ્યો હતો.

મંદીમાં 2800 કરોડનો ઉથલો મારનાર કંપનીને સુરતનાં હીરા ઉદ્યોગકારો જ ઓળખતા નથી
સુરત ઇડી દ્વારા શંકાના આધારે તપાસ કરતાં પહેલાં પાપલજ ફોરેન ટ્રેડ LLP નાં માલિકો સોમાભાઈ સુંદરભાઈ મીના અને ઓજસકુમાર મોહનલાલ નાઈક વિશે માહિતી મેળવવા પ્રયાસ કરાતાં આટલો મોટો વેપાર ધરાવનાર કંપની અને એના માલિકોને સુરતમાં કોઈ ઓળખતું ન હતું.જુલાઈ, 2023 થી માર્ચ 2024 વચ્ચે રૂ. 2800 કરોડ હીરા વેપારના હોંગકોંગ મોકલ્યા એ સમયગાળો હીરા ઉદ્યોગ માટે મંદીનો હતો.આ સુરતની 9 મહિનામાં મોટી કંપનીઓએ પણ હોંગકોંગ વેપાર કર્યો ન હોવાની માહિતી મળતા ઇડી નાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.અને સુરતમાં સર્ચ ઓપરેશન દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા

Most Popular

To Top