Gujarat

દ્વારકા-ખંભાળિયામાં એકસાથે 28 ગૌ વંશના મૃત્યુથી ચકચાર, ઠેરઠેર કપાયેલા અંગો મળ્યા

દ્વારકા-ખંભાળિયાઃ દ્વારકામાંથી ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક સાથે 28 ગૌ વંશના મૃત્યુ થયા છે. મૃત ગાયોના કપાયેલા અંગો ઠેરઠેર પડેલા મળી આવતા ચકચાર મચી ગઈ છે. આટલી મોટી સંખ્યામાં ગૌ વંશના મોતના પગલે તંત્ર દોડતું થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના પાદરમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ગઈકાલે તા. 26 જુલાઈની મોડી સાંજે અચાનક ગૌવંશ અને કૂતરા દોડી આવ્યા હતા. દરમિયાન અહીંથી એક ટ્રેન પસાર થઈ હતી. આ ટ્રેનની ટક્કર લાગતા ગૌ વંશ અને શ્વાનનું મોત થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાતેલ ગામની બાજુમાં કોઈ ઈસમો વાહન મારફતે ગૌવંશ તેમજ શ્વાનને અહીં ઉતારી જતા રહ્યાં હતાં. પશુઓ રસ્તાથી અજાણ હતા. તેઓ ટ્રેક ચઢી ગયા હતા. દરમિયાન પેસેન્જર ટ્રેનની અડફેટ લાગતા કપાઈને મોત પામ્યા હતા. ગાય-બળદ જેવા 13 ગૌવંશ અને 1 શ્વાનનું કપાઈ જવાના લીધે દર્દનાક મોત થયું છે.

ટ્રેન આવતા ગૌ વંશમાં દોડધામ મચી ગઈ હતી. પરંતુ તેઓને બચવાનો સમય મળ્યો નહોતો. ટ્રેકની બંને તરફ ગૌ વંશના કપાઈ ગયેલા અંગો પડેલા મળ્યા છે. નાની વાછરડીઓ પણ કપાઈને મૃત્યુ પામી છે. સેવાભાવી કાર્યકરોએ ઘટનાસ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત બે ગૌવંશને પશુ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી.

દ્વારકાની ગૌ શાળામાં ભૂખમરાથી 15 ગૌવંશનું મૃત્યુ
આ તરફ ગઈકાલે દ્વારકાના ચરકલા રોડ પર આવેલી કનૈયાધામ ગૌ શાળામાં સંચાલકોની લાપરવાહીના લીધે 15 ગૌ વંશના મોત થયા હતા. કનૈયાધામ ગૌ શાળામાં ગૌ વંશની સ્થિતિ કફોડી હોવાની માહિતી મળતા સુરભી માધવ ગૌ શાળાના પ્રમુખ હાર્દિક વાયડા ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા.

સ્થળ પર ગાયોની સ્થિતિ નાજૂક હતી. ભોજન અને સારવાર આપી હાર્દિક વાયડાની ટીમે 13 ગૌ વંશનો જીવ બચાવી લીધો હતો, જ્યારે 11 ગૌ વંશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ 4 ગૌ વંશના મોત થયા હતા. આમ ભૂખમરાના લીધે 15 ગૌ વંશના મોત થયા હતા. વરસાદના લીધે ગૌ શાળામાં વરસાદી કાદવ ભેગો થયો હતો, જેમાં ગાયો ફસાઈ ગઈ હતી અને ભૂખમરાના લીધે મૃત્યુ પામી હતી.

Most Popular

To Top