દેશમાં વાર્ષિક 56 દિવસીય અમરનાથ યાત્રા 28મી જૂનથી તમામ કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે તેમજ પરંપરા મુજબ રક્ષાબંધનના તહેવારના દિવસે (28 ઓગસ્ટે) પૂર્ણ થશે. એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય અહીં રાજ્ય ભવનમાં શ્રી અમરનાથ શ્રાઇન બૉર્ડ (એસએએસબી)ની 40મી બૉર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો.તેઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરમાં 3880 મીટર ઊંચા હિમાલય ગુફાના તીર્થસ્થાનની નોંધણી પ્રક્રિયા 1 એપ્રિલથી 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની 446 નિયુક્ત શાખાઓ મારફત શરૂ થશે.
ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે આ યાત્રા સાધુઓના ગ્રૂપ સુધી જ મર્યાદિત રાખવામાં આવી હતી. જ્યારે એક વર્ષ અગાઉ એક રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવા કેન્દ્રએ કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરવાના ત્રણ દિવસ પહેલા 2 ઑગસ્ટના રોજ ‘આતંકવાદી ધમકી’ના કારણે આ યાત્રા અડધા રસ્તે અટકાવવામાં આવી હતી. વર્ષ 2019માં 3.42 લાખથી વધુ યાત્રાળુઓ હિંદુ ગુફાના મંદિરે ગયા હતા.
સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બૉર્ડે નિર્ણય લીધેલ છે કે, આ વર્ષે યાત્રા 28 જૂને ‘અષાદ ચતુર્થી’ના શુભ હિન્દુ દિવસથી અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 46 કિલોમીટર પહેલગામ ટ્રેક અને ગેન્ડરબલ જિલ્લામાં 12 કિલોમીટર બાલતાલના બંને રૂટોથી એક સાથે શરૂ થશે.
તેમણે કહ્યું કે, આ વર્ષની યાત્રા સરકાર દ્વારા વિકસિત કોરોના એસઓપી મુજબ યોજવામાં આવશે. જેમાં, 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિને યાત્રા માટે મંજૂરી આપવામાં આવશે નહીં. આ વર્ષે યાત્રામાં બાલતાલથી દોમેલના 2.75 કિમી લાંબા પટ્ટા પર બેટરી કાર સર્વિસ મફત આપવામાં આવશે.