SURAT

26 વર્ષ પહેલાં સુરતમાં ચોરી કરનારો સાધુનો વેશ ધારણ ફરતો રહ્યો, ભાવનગર ઝડપાયો

26 વર્ષ પહેલાં સુરતમાં 12 હજારની વિડીયો અને કેસેટ ભાડે લઇ જવાનું કહી ચોરી કરવાના કેસમાં વેશ બદલી રહેતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ યુવકને પોલીસ શોધતી હોવાનું ધ્યાનમાં આવતાં તે સાધુ બનીને રાજ્યનાં અલગ અલગ મંદિરમાં રહેતો હતો. આખરે પોલીસે તેને પકડી પાડ્યો હતો અને 26 વર્ષ પહેલાનો ગુનો ઉકેલ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાછળ લુંગીવાળાની ચાલમાં રહેતા મનજીભાઈ પરષોત્તમભાઈ પટેલ (ઉં.વ.42) 26 વર્ષ પહેલાં એટલે કે સને-1995ની સાલમાં વિડીયો, ટીવી અને કેસેટો ભાડે આપવાનું કામ કરતા હતા. તેમણે પોતાને ત્યાં વરાછા વિસ્તારમાં જ રહેતા અને મૂળ ભાવનગરના ગારિયાધારના વીરડી ગામના વતની ભોળા નાથાભાઇ પટેલને નોકરી ઉપર રાખ્યો હતો.

થોડા દિવસો સુધી કામ કરી ભોળાએ દુકાનમાંથી રૂ.12 હજારનો સામાન જેમાં એક ટીવી, વિડીયો અને ત્રણ કેસેટો ભાડે આપવાનું કહી લઇ ગયો હતો. ભોળાએ આ સામાન બારોબાર વેચી છેતરપિંડી કરી હતી. બે-ત્રણ દિવસ છતાં ભોળો નોકરી ઉપર નહીં આવતાં મામલો પોલીસમથકમાં પહોંચ્યો હતો. આ બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઠગાઇ કરી ભોળા પટેલ પોતાના વતન વીરડી ગામમાં ભાગી ગયો હતો. પરંતુ ત્યાં પોલીસ પહોંચી જતાં ભોળા પટેલને ગંધ આવી ગઇ હતી અને તે બીજા ગામમાં ચાર વર્ષ સુધી મજૂરીકામ કરવા લાગ્યો હતો. ગમે ત્યારે પોલીસ પકડશે તેવી બીકે ભોળા પટેલે પોતાનો વેશ બદલી નાંખ્યો હતો. ભોળા પટેલ ભાવેશગીરીના નામથી રહેવા લાગ્યો હતો. સાધુનો વેશ ધારણ કરી દાઢી તેમજ વાળ વધાર્યા હતા અને એક સાધુ જેવાં કપડાં પહેરી અલગ અલગ મંદિરમાં રહેવા લાગ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગરમાં જ હતી, ભાવેશગીરી ગામમાં આવ્યો અને પકડાયો
ભાવેશગીરી પોતાનું નામ બદલીને વતનમાં રહેતો હતો. વર્ષમાં એકવાર ગામમાં આવતો હતો. ત્યારબાદ તે અલગ અલગ આશ્રમમાં જતો રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ભોળાને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ સતત નિષ્ફળતા મળી હતી. બાદ પોલીસને માહિતી મળી કે, તે નામ બદલીને ગીરનાર જતો રહ્યો છે. પોલીસે ગીરનાર જઇ ભોળા નામના વ્યક્તિની તપાસ કરી હતી. ત્યારે ખબર પડી કે, ભોળા પટેલ ભાવેશગીરીના નામથી રહેતો હતો. પોલીસે તમામ હકીકતોનું વેરિફિકેશન કરી બાદ વતનમાં વોચ ગોઠવી હતી. પોલીસે ગામના સરપંચ સહિત અન્ય સભ્યોનો સંપર્ક કરી તમામ વિગતો મેળવી હતી. જોગાનુજોગ ભાવેશગીરી પણ પોતાના વતનમાં આવ્યો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ભાવેશગીરીના વતન વીરડી ગામમાં જ હતી. ભાવેશગીરીને જોઇ પોલીસે તરત જ તેને દબોચી લીધો હતો.

Most Popular

To Top