Vadodara

પાણી પુરવઠાના અધિકારીનું 26.50 કરોડનું કૌભાંડ

વડોદરા : સિંઘરોટ પાણી પૂરવઠા યોજનામાં 26.50 કરોડનું કોર્પોરેશનને નુકસાન થયું હોવાના મામલે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન મ્યુનિ કાઉન્સિલર દ્વારા કોન્ટ્રક્ટરને બ્લેકલિસ્ટ કરવા તથા કાર્યપાલક એન્જીનિયરને બરતરફ કરવાની માગણી કરવામા આવી હતી.જોકે બીજી તરફ કોંગ્રેસના ચૂંટાઈ આવેલા કાઉન્સિલરોમાં વોર્ડ 1 ના મહિલા કાઉન્સિલર અને વિપક્ષી નેતાની પાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આ મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં હાજર ન રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં વેરો ભરતી જનતાને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી થઈ રહી.જેના કારણે શહેરના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ વિકટ બનતા શહેરના કેટલાક વિસ્તારોમાંથી રોજબરોજના પાણીના મુદ્દે મોરચાઓ અને રજૂઆતો આવી રહી છે. વેરો ભરવા છતાં જનતા પરેશાની ઉઠાવી રહી છે.

તે માટે શાસક પક્ષ તથા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર જતેન બધેકા સાથે રાજકમલ બિલ્ડર જવાબદાર હોવાના મામલે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને મ્યુનિ. કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં માહિતી આપતાં તેમણે સત્તાધારી પક્ષના પાલિકાના હોદ્દેદારો પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સિંઘરોટમા વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ 13 ઓક્ટોમ્બર 2017માં સોંપાયો હતો. તેને 13 જૂન 2020માં પૂર્ણ કરવાનો હતો. પરંતુ તેમાં કોર્પોરેશનને નુકશાન થયુ છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ લાવવા માટે સિંઘરોટ ખાતે 300 એમએલડીનો પાણી પુરવઠાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો.રૂ.165 કરોડના આ પ્રોજેક્ટમાં સ્થળ સીમા રેખામા આવતા હવે શિફ્ટીંગ કરવાની ફરજ પડી છે. જેના કારણે ઈન્ટેક વેલ, બ્રિજની લંબાઈ સહિતની કામગીરી માટે રૂ.10.59 કરોડનો વધારાનો ખર્ચ કોર્પોરેશનને આવ્યો છે.

જે કામની મુદત પૂરી થયાના બીજા દિવસથી પેનલ્ટી શરૂ થાય છે. આ પેનલ્ટી પ્રોજેક્ટની કુલ રકમના 10 ટકા  જેટલી હોય એટલે કે 165 કરોડના પ્રોજેક્ટની 16.50 કરોડ થતી હતી. આ પેનલ્ટી ઉપર 10 કરોડ રૂપિયા મૂળ રકમ કરતાં વધુ ચૂકવાયા અને કોઇપણ કારણ વિના મુદત લંબાવી આપી. કોઇપણ કારણ વિના કોર્પોરેશનને 26.50 કરોડનું નુકશાન કર્યું હોઇ કાર્યપાલક ઇજનેર જતેન બધેકાને બરતરફ અને રાજકમલ બિલ્ડર્સને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. સિંધરોટ પાણી પુરવઠા યોજનામાં હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ ના તમામ પ્રોજેક્ટની વિજિલન્સની તપાસ કરી બ્લેક લિસ્ટ કરવા જોઈએ. આ ઉપરાંત સિંધરોટ પાણી પુરવઠા યોજનામાં જવાબદાર એન્જીનિયરો સામે પણ પગલાં ભરવા જોઇએ. સિંધરોટ પાણી પુરવઠા યોજના અંતર્ગત બાર ચાર્ટ કે હેન્ડબુક બનાવવામાં આવી નથી અને રોજ એક બે વર્ષ સુધી મોડો થયો છે. છતાં પણ તેઓ પાસેથી રૂા.16.50 કરોડની પેનલ્ટીની વસુલાત કરવાને બદલે પ્રોજેક્ટ કરતાં પણ વધારાની રૂ.10 કરોડની રકમ પણ કોન્ટ્રાક્ટરને ચૂકવાઈ છે.

એટલે કોર્પોરેશનને 26.50 કરોડનું નુકસાન થયું છે. નિમેટા ખાતે ફિલ્ટ્રેશન પ્લાન્ટ નંબર 3 રાજકમલ બિલ્ડર્સએ બનાવ્યો હતો અને એ પણ હલકી કક્ષા ને કારણે એક વર્ષ સુધી લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો હતો. ખાનપુર ખાતે પંપ ખરીદવાના હતા તેમાં પણ એક જ ઈજારદારને કામ મળે તે માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી હતી.અને દોઢ કરોડની રકમના ગોટાળા કરાયા હતા. એ જ રીતે હરીનગર પાણીની ટાંકીમાં ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી પણ માનીતા ઈજારદારને વધારે નો ભાવ ચૂકવીને કામ સોંપવામાં આવ્યું હતું.શેરખી ઈન્ટેક વેલ જેન્ડર આવ્યું હતું.તે ટેન્ડરમાં પણ વધારાનો ભાવ માનીતા ઈજારદારને ચૂકવવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેર જતેન બધેકાને પણ બરખાસ્ત કરવાની માંગણી કરવામાં આવી હતી.

મને 35 વર્ષ થયાં બોવ પ્રેસ કોન્ફરન્સ કરી, કોણ આયુ કોણ ન આયુ એ નથી જોવાનું?
પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે બોલાવેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરો હાજર રહ્યા હતા.જ્યારે કાઉન્સિલર અમીબેન રાવતની ઉપસ્થિતિ નહીં હોવાથી આ મામલે પુછાયેલા પ્રશ્ન સામે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમુક લોકો અમુક એન્ગલથી પૂછતાં હોય છે.મને 35 વર્ષ થયાં છે. બોવ પ્રેસ કોન્ફરન્સ કરી છે.અને કોના વિરુદ્ધમાં શુ બોલવું એ પણ ખબર છે.પણ પ્રેસનું કામ એ છે કે સ્પષ્ટતાથી જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એની સામે જોવાનું છે.કોણ આયુ કોણ ના આયુ એ નથી જોવાનું.એને જોવાનું છે કે તટસ્થતાથી જે વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.એ બરાબર કરે છે કે કેમ બસ પ્રશ્નાર્થ ?

બ્લેકલિસ્ટ કરાયેલા રાજકમલ બિલ્ડરને કોના ઈશારે પરત લેવાયો
સમગ્ર વડોદરાના લોકોને દૂષિત પાણી પીવડાવનાર રાજકમલ બિલ્ડર્સને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી રૂપિયા 50 લાખની પેનલ્ટી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.જોકે હાલ  સિંધરોટ પાણી પુરવઠા યોજનાનો કોન્ટ્રાકટ પણ રાજ કમલ બિલ્ડરને જ આપવામાં આવતા વધુ એક વખત પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના પાપે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે.નોંધનીય છે કે દૂષિત પાણી મામલે 2019માં રાજકમલ બિલ્ડર્સને બ્લેક લિસ્ટ સાથે પેનલ્ટી ભરાઈ હતી.અને કાર્યપાલક ઇજનેર ,એડી. સિટી એન્જિનિયર પાણી પુરવઠાને સસ્પેન્ડ પણ કર્યા હતા.ત્યારે આંગણીના ટેરવા ગણવા ટેવાયેલા અધિકારીઓ અને નેતાઓએ ગોઠવણ કરીને તેઓને પરત લેવા માટે ધમપછાડા પણ કર્યા હતા.

Most Popular

To Top