મુંબઇ: આજે દેશ 26/11ના આતંકવાદી (Terrorist) હુમલામાં શહીદ થયેલા જવાનો અને માસુમો યાદ કરી રહ્યો છે. આજ થી બરાબર 15 વર્ષ પહેલા થયેલો મુંબઈ હુમલાને (Mumbai Attack) ભારતીય ઈતિહાસનો બ્કેક ડે (Black Day) માનવામાં છે. જેને કોઈ ઈચ્છે તો પણ ભૂલી શકે તેમ નથી. આ આતંકી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતાં.
આજથી બરાબર 15 વર્ષ પહેલા તારીખ હતી 26મી નવેમ્બર 2008. તેમજ સાંજનો સમય હતો. માયા નગરી મુંબઈમાં રોજની જેમ ખૂબ ભીડ હતી. શહેરની સ્થિતિ એકદમ સામાન્ય હતી. મુંબઈના રહેવાસીઓ બજારોમાં ખરીદી કરી રહ્યા હતા. મરીન ડ્રાઈવ ઉપર કેટલાક લોકો દરિયાના ઠંડા પવનની મજા માણી રહ્યા હતા. અચાનક જ શહેર અંધકારમાં ઉતરવા લાગ્યું અને શેરીઓમાં ચીસો વ્યાપી ગઇ. આ દિવસ હતો હોટેલ તાજ હુમલાનો. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
હુમલાના ત્રણ દિવસ પહેલા 23 નવેમ્બરે આ આતંકવાદીઓ કરાચીથી ભારતીય બોટ દ્વારા મુંબઈમાં પ્રવેશ્યા હતા. આતંકવાદીઓએ ભારતીય બોટ પર કબ્જો કરી, તેમાં સવાર ચાર ભારતીયોની હત્યા કરી હતી. રાત્રે લગભગ આઠ વાગ્યે આ હુમલાખોરો કોલાબા નજીક કફ પરેડના ફિશ માર્કેટમાં ઉતર્યા હતા. ત્યાંથી તેઓ ચાર ગ્રૂપમાં વહેંચાઈ ગયા અને ટેક્સીઓ લઈને તેમના નક્કી કરાયેલા સ્થાને ગયા હતાં.
રાત્રીના લગભગ 9:30 વાગ્યા હતાં. મુંબઇ પોલીસને ખબર મળી કે છત્રપતી શિવાજી ટર્મિનસ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે. એકે 47 બંદૂક દ્વારા 15 મિનિટ ફાયરિંગ કરી 53 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેમજ 100 થી વધુ લોકોને ઘાયલ કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ લિયોપોલ્ડ રેસ્ટોરંટમાં ગોળીબાર કરી 10 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રીના 10:30 કલાકે માહિતી મળી કે વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીને બોમથી ઉડાવી દેવામાં આવી છે. જેની 10-15 મિનિટ પહેલાં જ બોરીબંદર ઉપર બોમ ધડાકા કરવામાં આવ્યાં હતા.
આતંકવાદની આ વાત અહીં જ પૂર્ણ ન થઇ. આ આતંકવાદીઓએ શહેરની ત્રણ મોટી હોટલો ઉપર નિશાન બનાવ્યો. જેમાં હોટેલ તાજ, ઓબેરોય ટ્રાઇડેટ હોટેલ અને હોટેલ નરિમન હાઉસ નો શમાવેશ કરવામાં આવ્યો હતો. હૂમલો થયો ત્યારે તાજમાં 450 લોકો હતા અને ઓબેરોયમાં 350 લોકો હતાં. તાજ હોટેલમાંથી નિકળતો કાળો ધૂમાળો તો આ હૂમલાની ઓળખ બની ગયો હતો.
સતત ત્રણ દિવસ સુધી આ આતંક ચાલતો રહ્યો. તેમજ ભારતીય સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યુ. ત્યાર બાદ 29 નવેમ્બરની સવાર સુધીમાં નવ હુમલાખોરોનો ખાત્મો કરવામાં આવ્યો અને એક હુમલાખોર અજમલ કસાબ પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી. પરંતુ 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ દિવસ ભારતને ભુલાય તેમ નથી.