સુરત: પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટે એવા હેતુથી રાજ્ય અને કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વેહિકલની પોલિસી સાથે સબસીડી આપવાની યોજના લાવી હતી, પણ સરકાર પાસે ફંડની ઘટને લીધે સબસીડી નહીં મળી રહી હોવાની ફરિયાદો મળી રહી છે. કેન્દ્ર સરકારની ‘ફેમ’ યોજના હેઠળની સબસીડી ફંડ પૂરું થતાં બંધ થઈ હતી.
- ફંડ પૂરું થઈ જતાં સુરતમાં 2500 ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના માલિકો સબસીડીથી વંચિત
- સપ્ટેમ્બર-2022 પહેલાં વાહનો ખરીદનારાઓને ‘ફેમ’ સબસીડી નહીં મળતાં આરટીઓએ વાહન વ્યવહાર કમિશનરને રિપોર્ટ કર્યો
જેના પગલે રાજ્ય સરકારે પણ સપ્ટેમ્બર-2022 પહેલાં વાહન ખરીદનારાઓની સબસિડીની રકમ અટકાવી દીધી હતી. વાહન માલિકો છેલ્લા 9 મહિનાથી સબસિડીની રકમ માટે આરટીઓ કચેરી અને વાહન ડિલરોને ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કેન્દ્ર સરકારની સબસીડી મળતી હોય તેને રાજ્ય સરકારની સબસીડી મળતી હતી.
સુરતના ઇનચાર્જ આરટીઓ મેહુલ ગજ્જરે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-2022 પહેલાં વાહનો ખરીદનારાઓને ‘ફેમ’ સબસીડી નહીં મળતાં આરટીઓએ વાહન વ્યવહાર કમિશનરને રિપોર્ટ કર્યો છે. વાહન ડિલરોનાં સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર સુધી સબસીડી કેટલીક કંપનીનાં મોડેલ પાછળથી નબળી ગુણવત્તાને લીધે યાદીમાંથી નીકળી ગયાં હતાં.
વાહન માલિકોની ફરિયાદ છે કે, ફેબ્રુઆરી માર્ચમાં ઇ-વાહન લીધા હોય તો તેમને સબસીડી મળવાપાત્ર હોવા છતાં તેમને પણ મળી નથી. ભૂતકાળમાં વાહન રજિસ્ટ્રેશન થાય નંબર પ્લેટ માટે નંબર ફાળવવામાં આવે એના ત્રણ દિવસમાં વાહન માલિકને ખાતાંમાં સબસીડી મળી જતી હતી. આરટીઓ દ્વારા હજી 6 મહિનાથી એપ્રુવલ બાકી છે.