ભુજ: ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક-દોઢ વર્ષથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના રેકેટ ઝડપાઈ રહ્યાં છે. આમ તો આ તમામ રેકેટમાં ડ્રગ્સનો જથ્થો મુંદ્રા પોર્ટની આસપાસથી જ પકડાતો હતો. પરંતુ ડ્રગ્સ માફિયાઓએ આ વખતે કંડલામાંથી ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પરંતુ આ વાતની જાણ ગુજરાત ATS અને DRIને થતા જ સમગ્ર મામલાનો પર્દાફાશ થઇ ગયો.
વધુ ડ્રગ્સ પકડાઈ શકવાની એજન્સીઓને આશંકા
કંડલા પોર્ટ પર ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ ડ્રગ્સ અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે કંડલામાં અફઘાનિસ્તાનથી આવેલા કન્ટેનરમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ ડ્રગ્સ મળી આવવાની એજન્સીઓને આશંકા છે. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે અંદાજે 5000 કરોડ કરતા વધુના ડ્રગ્સની ડિલિવરી થઈ હોવાની બાતમી મળી હતી.
કંડલા પોર્ટ PROની સ્પષ્ટતા
કચ્છમાં કંડલા પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવા મામલે કંડલા પોર્ટ PRO ઓમપ્રકાશ દાદલાનીએ સ્પષ્ટતા કરી છે. તેઓએ જણાવ્યું છે કે, કંડલા પોર્ટ પર આ પ્રકારની કોઈ કાર્યવાહી કે ડ્રગ્સ ઝડપાયું નથી, કંડલા પોર્ટથી 15 કિમી દૂર ખાનગી CFSમાં તપાસ ચાલી રહી છે
ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 2500 કરોડ
આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું. આ ડ્રગ્સ ઉચ્ચ ગુણવત્તાનું હોવાની વાત જાણવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોઇએ તો 2500 કરોડની આસપાસ થાય છે.
કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો
એજન્સીઓને શંકા છે કે ડ્રગ્સથી ભરેલા આવા ઘણા કન્ટેનરો હોઈ શકે છે. હાલમાં તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે, રો ડ્રગ્સ પાકિસ્તાનમાં તૈયાર થતું હોય છે પરંતુ તેને અફઘાનિસ્તાન અને ઇરાનના મારફતે ભારત લાવવામાં આવતુ હોય છે. જે બાદ તેને બીજા દેશમાં મોકલવામાં આવતુ હોય છે. આ પહેલા પણ ઝડપાયેલા ડ્રગ્સના મોટા જથ્થાને પણ આ રીતે જ લાવાવમાં આવ્યુ હતુ. તેની ખપત ભારતમાં થવાની ન હતી. તેને અન્ય દેશોમાં મોકલવાનું હતું. હાલ આ ડ્રગ્સ ક્યાં અને કોણે મોકલ્યું હતુ તે અંગેની તપાસ ચાલી રહી છે.