ભરૂચ-અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે તા. 20 ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી રૂ.250 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. કંપની સંચાલક વિશાલ પટેલ સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે.
- આવકાર ડ્રગ્સમાંથી રૂ.5180 કરોડના કોકેઇન બાદ અવસર એન્ટરપ્રાઇઝમાંથી MD ડ્રગ્સ ઝડપાયું
- ભરૂચ અને સુરત SOG ના ઓપરેશનમાં 141 ગ્રામનું 14.10 લાખનું ડ્રગ્સ જપ્ત
- કંપની સંચાલક વિશાલ પટેલ સહિત 3 આરોપીઓની ધરપકડ
અંકલેશ્વર GIDC માં આવકાર ડ્રગ્સ કંપનીમાં 5000 કરોડનું કોકેઇન ઝડપાયા બાદ તે ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દુર અવસર એન્ટરપ્રાઈઝની ફેકટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ મચી ગયો છે. એશિયાની નંબર એક અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત જાણે હવે ગુજરાતનું “ડ્રગ્સ હબ” બની રહ્યો હોય તેવા એક બાદ એક નશીલા પદાર્થનું ઉત્પાદન કરતી ફેકટરીઓ ઝડપાતા પરપોટા ફૂટી નીકળ્યા છે.
- કંપનીનો માલિક વિદેશ હોવાની સામે આવેલી વિગતો
- અંકલેશ્વર, પાનોલી, સાયખા, વિલાયત, દહેજની કંપનીઓમાંથી અત્યાર સુધી 10 હજાર કરોડ ઉપરાંતનો જથ્થો ઝડપાયો
જો કે આ ડ્રગ્સ ઝડપાવાની લિંક સુરતના વેલંજામાંથી મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુલંજામાંથી 2 કરોડનું 2100 ગ્રામ એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓએ આ જથ્થો અંકલેશ્વરથી લઈને આવ્યા હતા. જેથી તપાસમાં અંકલેશ્વર લિંક બહાર આવતા પોલીસ ત્યાં પણ તપાસ કરી હતી. આમ અંકલેશ્વરમાં તપાસ કરતા અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
અંકલેશ્વર GIDCની અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં 18 કલાક બાદ પોલીસની તપાસ પૂર્ણ થઈ છે. પોલીસ કંપની સંચાલક વિશાલ પટેલને લઇ સુરત જવા રવાના થઈ ગઈ છે. અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઈઝમાંથી પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સનું શંકાસ્પદ રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચ, ગ્રામ્ય SOG દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યા હતા. જેની જાણકારી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોલીસ રાજ હોટલથી વેલંજા તરફ જતા રોડ પરથી કારને ઝડપી પાડી હતી.
આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા.જો કે અંકલેશ્વરમાં પોલીસની મદદથી ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે કે લગભગ દોઢ દિવસથી પોલીસ વિભાગ સર્ચ કરતા હતા.