ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી યુએસ મોકલવામાં આવતા આઇફોનને અસર કરશે નહીં. યુએસ રાષ્ટ્રપતિએ ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી ભારતીય માલ પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે પરંતુ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
યુએસ વાણિજ્ય વિભાગ હાલમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવા કેટલાક ક્ષેત્રોની તપાસ કરી રહ્યું છે. આ અહેવાલ પૂર્ણ થાય ત્યાં સુધી સ્માર્ટફોનને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે. ભારત તાજેતરમાં ચીનને પાછળ છોડીને યુએસમાં સ્માર્ટફોનનો સૌથી મોટો નિકાસકાર બન્યો છે. આ વર્ષે એપ્રિલ-જૂનમાં યુએસમાં આયાત કરાયેલા સ્માર્ટફોનમાં ભારતનો હિસ્સો ૪૪% હતો. જ્યારે યુએસમાં વેચાતા ૭૮% આઇફોન ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.
દેશમાં સ્માર્ટફોન ઉત્પાદનમાં ૨૪૦%નો વધારો
યુએસમાં સ્માર્ટફોન નિકાસમાં વિયેતનામનો હિસ્સો પણ ચીન કરતાં ૩૦% વધુ હતો. આ પહેલી વાર છે જ્યારે ભારતે ચીન કરતાં યુએસમાં વધુ સ્માર્ટફોન મોકલ્યા છે. કેનાલિસના અહેવાલ મુજબ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન એક વર્ષ પહેલાની સરખામણીમાં 240% વધ્યું છે.
અમેરિકામાં વેચાતા 78% iPhone ભારતમાં બનાવવામાં આવે છે. બજાર સંશોધક કેનાલિસના જણાવ્યા અનુસાર 2025 માં જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતમાં 23.9 મિલિયન (2 કરોડ 39 લાખ) iPhone બનાવવામાં આવ્યા હતા જે ગયા વર્ષ કરતા 53% વધુ છે.
સંશોધન પેઢી સાયબરમીડિયા રિસર્ચ અનુસાર ભારતમાંથી iPhone નિકાસ (ભારતથી વિદેશમાં મોકલવામાં આવતા iPhone) પણ વધીને 22.88 મિલિયન (2 કરોડ 28 લાખ) યુનિટ થઈ ગઈ છે. ગયા વર્ષે (જાન્યુઆરીથી જૂન) આ જ સમયગાળામાં ભારતમાં iPhone ઉત્પાદનનો આંકડો 15.05 મિલિયન (1 કરોડ 50 લાખ) હતો. એટલે કે વાર્ષિક ધોરણે તેમાં 52% વધારો થયો છે. વ્યવસાયની વાત કરીએ તો 2025 ના પહેલા છ મહિનામાં ભારતમાંથી લગભગ 1.94 લાખ કરોડ રૂપિયાના iPhones ની નિકાસ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ આંકડો 1.26 લાખ કરોડ રૂપિયા હતો.
જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે 23 મેના રોજ કહ્યું હતું કે અમેરિકામાં વેચાતા iPhones નું ઉત્પાદન અમેરિકામાં થવું જોઈએ, ભારતમાં કે અન્ય કોઈ દેશમાં નહીં. તેમણે Apple CEO ટિમ કૂકને કહ્યું છે કે જો Apple US માં iPhones નહીં બનાવે તો કંપની પર ઓછામાં ઓછો 25% ટેરિફ લાદવામાં આવશે.