Gujarat

ધૂળેટીમાં ડૂબી જવાને લીધે રાજ્યમાં 25નાં મોત

ગાંધીનગર : રંગો અને હર્ષોલ્લાસનો તહેવાર ધૂળેટી આ વર્ષે અમદાવાદ-સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કેટલાય પરિવારો માટે માતમનો પર્વ સાબિત થયો હતો. રાજ્યના સુરત, રાજકોટ, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, નર્મદા, અમદાવાદ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં નદી, તળાવ અને કેનાલમાં ન્હાવા ગયેલા કિશોરો અને યુવકો ડૂબી જવાના બનાવોમાં કુલ 25 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના માંડલમાં તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ લોકો ડૂબી જતા તેમનાં મૃત્યુ થયા હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવદળે મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લામાં સૌથી વધુ દુર્ઘટનાઓ સામે આવી છે. માંગરોળ તાલુકાના પાનસરા ગામે કીમ નદીમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે બારડોલીમાં પણ ત્રણ લોકો ડૂબી જતા સુરત જિલ્લામાં કુલ 6 લોકોના મૃત્યુ નોંધાયા છે.

તેવી રીતે અરવલ્લી જિલ્લામાં ધનસુરા અને માલપુર વિસ્તારમાં તળાવમાં ન્હાવા ગયેલા ચાર લોકો ડૂબી જતા મોત થયા છે. ધનસુરામાં બે અને માલપુરમાં બે લોકોના કરુણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનોમાંથી બે યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મોટીદાઉ ગામ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનોમાંથી કેટલાક યુવાનો પાણીમાં ડુબવા લાગતા તેની જાણ આસપાસના લોકો, સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ભારે જહેમત બાદ ચાર પૈકી બે યુવાનોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જ્યારે બે યુવાનોને બચાવી શકાયા નહોતા, તેમનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

મહિસાગર જિલ્લાના કોઠંબા વિસ્તારમાં બે લોકો તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામ નજીક સુજલામ સુફલામ કાચી કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનોમાંથી ચાર યુવાનો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બે યુવાનોના મોત થયા હતા.

નર્મદા જિલ્લાના સિસોદરા અને ઓરી ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોના ડૂબી જવાથી કરુણ મોત થયા હતાં. આ મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવકો વડોદરાના કારવણ વિસ્તારમાંથી સિસોદરા ગામે AC રિપેરિંગના કામ માટે આવ્યા હતા. બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા નદીમાં ન્હાવા ઉતરતાં એક યુવક ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બે મિત્રો પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા ત્રણેય યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે રાજપીપલા ફાયર વિભાગ અને NDRFની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના બેલા ગામે ધૂળેટીના પર્વે બનેલી દુર્ઘટનામાં બે સગીરોના ડૂબી જવાથી મૃત્ય થયું હતું. રંગ બેરંગી કલરથી ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા ગયેલા 13 વર્ષીય મહાવિરસિંહ, તથા આયુષ નામના બે કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક ગ્રામ લોકોએ તરવૈયાઓની મદદથી કિશોરને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

અમરેલી જિલ્લામાં ધૂળેટી રમ્યા બાદ મિત્રો સાથે શેત્રુંજી નદીમાં કેટલાક કિશોર, યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં સમીર સોલંકી નામના યુવકનું પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થવાથી મૃત્યુ થયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કબીરનગર વિસ્તારમાં આવેલ તળાવમાં ધૂળેટી રમ્યા બાદ ન્હાવા ગયેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ગરકાવ થતાં મોત થયું હતું. મિત્રો સાથે તળાવમાં ઉતરેલા કિશોરને બચાવી શકાયો નહોતો, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Most Popular

To Top