Editorial

ઠંડીને કારણે કાનપુરમાં 25ના મોત તંત્ર માટે ચેતવણી સમાન

અમેરિકામાં હિમબોમ્બ ફાટ્યા બાદ હવે ઠંડીએ ભારત પર પોતાનો પ્રકોપ ઉતાર્યો છે. ભારતમાં છેલ્લા ચારેક દિવસથી ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક શહેરોમાં ઠંડીના રેકોર્ડ તૂટી રહ્યા છે. ધીરેધીરે ઠંડી અસહ્ય બની રહી છે. હવામાન ખાતાના કહેવા મુજબ ઠંડીનો પ્રકોપ હાલમાં થોડો ઘટશે પણ આગામી દિવસોમાં વધી પણ શકે છે. ઠંડી થોડીક હોય તો સારી લાગે છે પરંતુ વધુ ઠંડી માનવજાત માટે જીવલેણ પણ બની શકે છે. તાજેતરમાં અમેરિકામાં ફૂટેલા હિમબોમ્બને કારણે અનેક લોકો અસહ્ય ઠંડીને કારણે કારમાં જ થીજી જઈને મોતને ભેટ્યા હતા. વધારે ઠંડીને કારણે બ્લડપ્રેશર વધી જાય છે અને આ સંજોગોમાં નસોમાં લોહી ગંઠાઈ જવાને કારણે મોત થાય છે. અમેરિકામાં 100 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બરફના પવનોને કારણે આ સ્થિતિ થઈ હતી તો ભારતમાં વધી રહેલી ઠંડીએ જીવ લેવા માંડ્યા છે. કાનપુરાની એક હોસ્પિ.માં ઠંડીને કારણે 24 જ કલાકમાં 723 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તેમાં પણ 39 દર્દીને તો ઓપરેશન માટે લઈ જવા પડ્યા હતા. કાનપુરની આ ઘટનાએ તબીબી આલમને પણ ચિંતામાં મૂકી દીધી છે.

હાડ થીજાવતી ઠંડીને કારણે ભારતમાં હ્રદયરોગની સમસ્યા વધી રહી છે. ઠંડીને કારણે જ કાનપુરમાં એક જ દિવસમાં 7 વ્યક્તિના મોત થઈ ગયા છે. જ્યારે હાર્ટ એટેક તેમજ બ્રેઈન સ્ટ્રોકથી 25 દર્દી મોતને ભેટી ચૂક્યા છે. કેટલાક દર્દીઓ તો હોસ્પિટલ સુધી પણ પહોંચી શક્યા નહોતા અને તેને કારણે મોતનો આંકડો વધારે હોવાનું પણ મનાઈ રહ્યું છે. નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે, ઠંડી જ્યારે વધારે પડે ત્યારે લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ તેમજ બ્રેઈન સ્ટ્રોક આવે છે અને જો સમયસર સારવાર નહીં મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. આગામી દિવસોમાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીના વધવાની શક્યતા છે. આ સંજોગોમાં હવે સરકારે ઠંડીથી મોત નહીં થાય તે બાબતે પગલાઓ લેવાની જરૂરીયાત છે. હાર્ટસ્ટ્રોકને કારણે મોત થવાની ઘટનાઓ થોડાક સમયથી ભેદી રીતે વધી રહી છે. હાલમાં તો ઠંડીને કારણે મોત થયા છે પરંતુ અગાઉ પણ જીમમાં એક્સરસાઈઝ કરતી વખતે પણ મોત થયાની ઘટનાઓ નોંધાઈ છે.

તબીબો કહી રહ્યા છે કે, ઠંડી પડી રહી છે ત્યારે દર્દીઓએ જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવું જોઈએ. બહાર નીકળે ત્યારે પણ કાન, નાક અને માથું ગરમ કપડાથી ઢાંકીને જ બહાર નીકળવું જોઈએ. 60 વર્ષથી વધુ વય હોય તો તેવી વ્યક્તિએ ઠંડા પવનો વાતા હોય ત્યારે ઘરની બહાર નીકળવું જ જોઈએ નહીં. સરકારે પણ જે લોકો રસ્તા પર કે ફુટપાથ પર રહે છે તેમને ઠંડીથી બચાવવા માટે તેમને રૈનબસેરા પુરા પાડવા જોઈએ. જે રીતે ભારતમાં ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં પડવાની સંભાવના છે.

તે જોતાં સરકારે હવે લોકોને ઠંડીથી બચવા માટે ગાઈડલાઈન બહાર પાડવાની જરૂરીયાત છે. લોકોને એ સમજાવવું જોઈએ કે વધારે ઠંડી પડે તો તેનાથી કેવી રીતે બચી શકાય? જે રીતે વિદેશોમાં ઠંડીનો સામનો કરવા માટે સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવે છે તેવી જ રીતે ભારતમાં પણ ઠંડીથી બચવા માટે સરકારે આયોજનો કરવા જોઈએ. ભૂતકાળમાં આવી ઠંડી મોટાભાગે હિલ સ્ટેશનોમાં પડતી હતી પરંતુ હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી પડી રહી છે. કાનપુરમાં ઠંડીને કારણે થયેલા મોતની ઘટના તંત્ર માટે ચેતવણી સમાન છે. જો તંત્ર નહીં જાગે તો આગામી દિવસોમાં મોતનો આંકડો મોટો થવાની સંભાવના છે.

Most Popular

To Top